ખેડા જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલ : નાણાંકીય વ્યવહારો ઠપ થતા ખાતેદારો હેરાન | Bank employees strike: Account holders upset as financial transactions stall

![]()
– ‘ફાઈવ ડે વર્ક વીક’ની માંગ સાથે હડતાલ
– માત્ર રાષ્ટ્રીય કૃત બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા, રોજના કામના કલાકોમાં 40 મિનિટ વધારો કરવાની પણ તૈયારી બતાવી
નડિયાદ : ઓલ ઇન્ડિયા બેન્ક સ્ટ્રાઈક ઇનાઈટેડ ફોરમ ઓફ યુનિયન દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ ‘ફાઈવ ડે વર્ક વીક’ની માગણીને લઇ મંગળવારથી હડતાલ પણ ઉતર્યા છે. જેને લઇ આજે કરોડો રૂપિયાની નાણાંકીય લેવડદેવડ પર બ્રેક લાગી ગઈ હતી. આ બેન્ક કર્મચારીઓની હડતાલના પગલે વ્યાપારીઓ તેમજ બેંક ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા.
સમગ્ર દેશની સાથે ખેડા જિલ્લાના બેંક કર્મચારીઓ પણ છેલ્લા ઘણાં સમયથી ‘ફાઈવ ડે વર્ક વીક’ની માગણી બાબતે સરકાર દ્વારા કોઈ જ પ્રતિસાદ ન મળતાં બેંક કર્મચારીઓ મંગળવારથી હડતાલ પર ઉતર્યા હતા. ઓલ ઇન્ડિયા બેન સ્ટ્રાઈક યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનમાં જોડાયેલી રાષ્ટ્રીય કૃત બેંકો જેમાં બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક તેમજ બેંક ઓફ ઇન્ડિયા સહિતની બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જ્યારે ખાનગી બેંકો આ હડતાલમાં જોડાયેલ નથી. ત્રણ દિવસની રજાઓ બાદ બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાતા આજે ચોથા દિવસ બેંકો બંધ રહેવા પામી હતી. જેના કારણે વેપારીઓ તેમજ બેંક ખાતેદારો નાણાંકીય લેવડદેવડ ન થઈ શકતા મુશ્કેેલીમાં મુકાયા હતા. બેંક કર્મચારીઓ દ્વારા ‘ફાઈવ ડે વર્ક વીક’ની માગણી સામે દરરોજ કામના કલાકોમાં ૪૦ મિનિટ વધારો કરવા તૈયારી બતાવવામાં આવી છે. આમ છતાં સરકાર દ્વારા ‘ફાઈવ ડે વર્ક વીક’ની માગણી સ્વીકારવામાં ના આવતા બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.



