ચીનના એપ સ્ટોર્સ પર ‘આર યુ ડેડ?’ : એપ્લિકેશન વાયરલ થઈ | ‘Are You Dead ‘ app goes viral on China’s app stores

![]()
– જેન-ઝી ડેવલપર્સની એપ પોપ્યુલર
– કોઈ યુઝર બે દિવસ સુધી બટન ન દબાવે તો તેના ઈમરજન્સી કોન્ટેક્ટને જાણ કરે છે
બેઈજિંગ : જાન્યુઆરી, ૨૦૨૫માં ચીની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ ડીપસીક ચર્ચામાં આવ્યું હતું. ૨૦૨૬માં ચીનની એક વિચિત્ર એપ ચર્ચામાં આવી છે. આ એપનું નામ ‘આર યુ ડેડ? છે.
રિપોર્ટ મુજબ, આ વિચિત્ર એપ ચીનના એપ સ્ટોર્સમાં ટોપ પર પહોંચી છે. આ એપની ડિઝાઈન ખૂબ જ સરળ છે. એકલા રહેતા લોકો દરરોજ એક બટન દબાવીને જણાવે છે કે, તેઓ જીવી રહ્યાં છે. જો કોઈ બે દિવસ સુધી બટન ન દબાવે તો એપ તેમના ઈમરજન્સી કોન્ટેક્ટને જાણ કરે છે.
આ એપ કોઈપણ જાહેરાત વિના પોપ્યુલર થઈ છે. તેનો ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે, ચીનમાં જન્મદર સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. લગ્નોની સંખ્યા ઘટી છે અને ડિવોર્સના કેસ વધી રહ્યાં છે. ઘણા લોકોને લાગ્યું કે, આ એપને વૃદ્ધો માટે બનાવવામાં આવી હશે. પરંતુ, તેને જેન-ઝી ડેવલપર્સની ટીમે બનાવી છે.
તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓ પોતાના શહેરી એકલતાના અનુભવથી પ્રેરાયા હતા. એક અંદાજ મુજબ, ૨૦૩૦ સુધીમાં ચીનમાં એકલા રહેતા વ્યક્તિઓની સંખ્યા ૨૦ કરોડ થઈ જશે.ગત અઠવાડિયે આ એપને ચીનના એપ સ્ટોર્સમાંથી હટાવી લેવામાં આવી હતી. હાલમાં તેના ડેવલપર્સ એપ માટે નવું નામ શોધવા લોકોની સલાહ માંગી રહ્યાં છે.



