गुजरात

કઠલાલ દારૂકાંડના આરોપી અને ભાજપના હોદ્દેદારનો રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ | Video of Kathlal liquor case accused and BJP office bearer throwing money goes viral



– લગ્ન પ્રસંગના વીડિયોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો 

– દારૂકાંડના કારણે એક પીઆઈ, એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા : બે દિવસ પહેલા જ કોર્ટે આરોપીને જામીનમુક્ત કર્યો હતો 

નડિયાદ : ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ચકચારી બનેલા દારૂકાંડનો મુખ્ય આરોપી પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરી વિવાદમાં સપડાયો છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આ બુટલેગર એક લગ્ન પ્રસંગમાં કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી સાથે બેફામ રીતે રૂપિયા ઉડાડતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

થોડા સમય પહેલા કઠલાલના ગાડવેલ ગામે એલસીબીએ દરોડો પાડીને એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ દારૂકાંડના કારણે એક પીઆઈ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી પિન્ટુ ડાભીએ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈને પોલીસની કામગીરી પર લાંછન લગાડયું હતું, જેની બાદમાં કપડવંજથી ધરપકડ કરાઈ હતી.

વાયરલ વીડિયોમાં પિન્ટુ ડાભીની સાથે કઠલાલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રવણ ડાભી પણ જોવા મળી રહ્યાં છે. શ્રવણ ડાભી અગાઉ જમીન પચાવી પાડવાના વિવાદમાં પણ આવી ચુક્યા છે. સત્તાધારી પક્ષના હોદ્દેદાર જ્યારે આવા ગંભીર ગુનાના આરોપી સાથે જાહેરમાં રૂપિયા ઉડાડતા દેખાય, ત્યારે પક્ષની છબી ખરડાઈ રહી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. બે દિવસ પહેલા જ કોર્ટે પિન્ટુને જામીનમુક્ત કર્યો છે.

એક તરફ બુટલેગરોની ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે નિાવાન પોલીસ અધિકારીઓએ સજા ભોગવવી પડે છે ત્યારે બીજી તરફ બુટલેગર અને શાસક પક્ષના નેતા સાથેની નિકટતા પોલીસ તંત્રના મનોબળ પર નકારાત્મક અસર પાડી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિકોમાં એ ચર્ચા જાગી છે કે શું ગુનેગારોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે?  હવે જોવાનું એ રહે છે કે, ભાજપ સંગઠન આવા હોદ્દેદાર સામે કેવા પગલાં ભરે છે.



Source link

Related Articles

Back to top button