राष्ट्रीय

ભારત અને ઈયુ વચ્ચે અંતે ‘મધર ઓફ ઓલ ડીલ’ | The ‘Mother of All Deals’ between India and the EU is finally here



– વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે 27 દેશોના સંગઠન સાથે ભારતના ઐતિહાસિક કરાર સંયુક્ત સમૃદ્ધિની બ્લુ પ્રિન્ટ : મોદી 

– ભારતનો 93 ટકા સામાન ડયુટી ફ્રી થશે જ્યારે યુરોપીયન યુનિયનના 90 ટકા સામાન પરની ઈમ્પોર્ટ ડયુટી સમાપ્ત થઈ જશે

– ભારતે ડેરી, સોયા મીલ અને કઠોળ ક્ષેત્રમાં કોઈ છૂટ આપી નહીં જ્યારે ઈયુએ તેના સુગર, બીફ, મીટ, પોલ્ટ્રી સેક્ટરનું રક્ષણ કર્યું

નવી દિલ્હી : ભારત અને યુરોપ વચ્ચે મંગળવારે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર ‘એફટીએ’ થઈ ગયો, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપીયન યુનિયનના નેતાઓ ઉર્સુલા વોન ડેર લેયને અને ઓન્ટેનિઓ કોસ્ટાએ ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવી હતી. વૈશ્વિક તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત અને ઈયુ વચ્ચે એફટીએ માટે દાયકાઓથી અટકી અટકીને ચાલતી વાટાઘાટોનો આખરે અંત આવ્યો છે. આ વેપાર કરાર બંને પક્ષોને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વ્યૂહાત્મક રક્ષણ પૂરું પાડશે. આ કરાર હેઠળ ભારતનો ૯૩ ટકા સામાન ઈયુમાં ડયુટી ફ્રી થશે જ્યારે ઈયુના ૯૦ ટકા સામાન પર ઈમ્પોર્ટ ડયુટી સમાપ્ત થઈ જશે અથવા ઘટી જશે, જેને પગલે બંને પક્ષો વચ્ચેનો વેપાર ૨૦૩૧ સુધીમાં ૫૧ અબજ ડોલર (રૂ. ૪.૬૮ લાખ કરોડ) સુધી પહોંચવાનો અંદાજ છે. આ કરારથી ભારત અને ઈયુની ચીન અને અમેરિકા પરની નિર્ભરતા ઘટી જશે.

ભારત અને ૨૭ દેશોના સંગઠન યુરોપીયન યુનિયન વચ્ચે આખરે ૧૮ વર્ષે એફટીએ માટેની વાટાઘાટો પૂરી થઈ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું. પીએમ મોદી અને યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોયીયન કાઉન્સિલના પ્રમુખ ઓન્ટોનિયો કોસ્ટાએ નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ૧૬મા ભારત-ઈયુ શિખર સંમેલનનું સહ-અધ્યક્ષપદ સંભાળ્યું હતું. વેપાર વાટાઘાટો માટેની બેઠકના અંતે તેમણે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર સફળતાપૂર્વક કરી લીધો છે, જે ભારતીય અર્થતંત્ર, મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક પુરવઠા ચેઈનને નવી મજબૂતી આપશે. આ સોદો બંને પક્ષો વચ્ચે વિશ્વાસ અને ભાગીદારીનો નવો અધ્યાય શરૂ કરશે. ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચેનો આ કરાર આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં સ્થિર મજબૂતી લાવશે. આજે ૨૭ તારીખે ૨૭ દેશોના સંગઠન સાથે ઐતિહાસિક કરાર થયો છે, જે સંયુક્ત સમૃદ્ધિની બ્લુ પ્રિન્ટ છે. આ કરાર મારફત બંને પક્ષોએ પોતાના બજારો એકબીજા માટે ખોલવા સહમત થયા છે. આ કરારથી યુરોપીયન યુનીયનના ૨૭ દેશોમાં ભારતના ટેક્સટાઈલ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ચામડા, જ્વેલરી, ફાર્મા, એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ વધશે. એ જ રીતે યુરોપીયન સંઘના ૯૦ ટકા ઉત્પાદનો પર ટેરિફ શૂન્ય કરાશે અથવા ઘટાડાશે. 

જોકે, આ ઐતિહાસિક કરાર છતાં ભારતે ચીઝ સહિત ડેરી, સોયા મીલ અને કઠોળના ક્ષેત્રોમાં યુરોપીયન સંઘને કોઈ છૂટ આપી નથી. એ જ રીતે યુરોપીયન સંઘે પણ પોતાના સુગર, બીફ, મીટ અને પોલ્ટ્રી સેક્ટર્સનું રક્ષણ કર્યું છે. બીજીબાજુ સર્વિસ મોરચે ઈયુએ ભારત માટે તેના ૧૫૫માંથી ૧૪૪ પેટા સેક્ટર્સ ખોલી નાંખ્યા છે અને ભારતે ઈયુ માટે ૧૦૨ પેટા સેક્ટર્સ ખોલ્યા છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, દુનિયામાં અત્યારે વેપાર અને રેર અર્થ મિનરલ્સનો હથિયારોની જેમ ઉપયોગ થઈ રહ્યો છે. આવા સમયે ભારત-ઈયુ વેપાર કરારે સંબંધોમાં નવા યુગનો શંખનાદ કર્યો છે. આ કરાર દુનિયાના બે મોટા અર્થતંત્રો વચ્ચે તાલમેલનું શાનદાર ઉદાહરણ છે. આ સમજૂતી વૈશ્વિક જીડીપીના અંદાજે ૨૫ ટકા અને ૩૩ લાખ કરોડ ડોલરના વૈશ્વિક વેપારમાંથી ૧૧ લાખ કરોડ ડોલરના વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. 

ભારત અને ઈયુ વચ્ચે આ ઐતિહાસિક કરારની સાથે બંને પક્ષોએ સુરક્ષા અને સંરક્ષણ સહયોગ તથા ભારતીય પ્રતિભાઓના યુરોપમાં સ્થળાંતર એમ બે મહત્વના કરાર પણ કર્યા હતા. 

નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટેના તેમના વિઝનને અનુરૂપ દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક પક્ષો ભારત અને ૨૭ રાષ્ટ્રોના સંગઠન ઈયુએ આગામી પાંચ વર્ષ માટે સંયુક્ત વ્યાપક વ્યૂહાત્મક એજન્ડા રજૂ કર્યો છે અને એફટીએ માટેની વાટાઘાટો સહિત કુલ ૧૩ કરારને મજબૂત બનાવ્યા છે. 

ભારત અને ઈયુ વચ્ચે એફટીએ માટેની વાટાઘાટો અંતે ૧૮ વર્ષે પૂરી થઈ છે, છતાં તેના પર સત્તાવાર રીતે હસ્તાક્ષર થવામાં હજુ છ મહિનાનો સમય લાગશે, કારણ કે બંને પક્ષોને તેમાં કાયદાકીય તપાસની જરૂર પડશે. જોકે, વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, આ કરારનો અમલ ૨૦૨૬ના અંત સુધીમાં શરૂ થઈ જશે.

 ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે ૨૦૨૪-૨૫માં ૧૩૬.૫૩ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર હતો, જે ઈયુને ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બનાવે છે. ભારતના કુલ નિકાસ બજારમાં યુરોપીયન સંઘનો હિસ્સો ૧૭ ટકા છે અને યુરોપીયન સંઘ તેની કુલ નિકાસમાંથી ૯ ટકા નિકાસ ભારતમાં કરે છે.

યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનેએ કહ્યું કે, આ મુક્ત વેપાર કરાર ભારત અને યુરોપ બંને માટે ફાયદાનો સોદો છે. તેનાથી વેપાર, રોકાણ અને રોજગારને પ્રોત્સાહન મળશે. આ અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર છે, જેને ઈયુ અને ભારત બંનેએ પોતાના ઈતિહાસમાં પૂરો કરી લીધો છે. ભારતે ઘણો વિકાસ કર્યો છે અને તેના વિકાસથી યુરોપ ખુશ છે, કારણ કે ભારત સફળ થાય છે ત્યારે દુનિયા વધુ સ્થિરતા, સમૃદ્ધિ અને સુરક્ષિત હોય છે અને તેનો ફાયદો આપણને બધાને મળશે.

યુરોપ પોતાના વિરુદ્ધ યુદ્ધને જ ફંડ કરી રહ્યું છે : અમેરિકા

વોશિંગ્ટન : ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે મંગળવારે મુક્ત વેપાર કરાર થયા હતા. 

જોકે, આ પહેલાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરાર અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 

અમેરિકાએ યુરોપને ચેતવણી આપી કે ભારત સાથે એફટીએ પર હસ્તાક્ષર કરીને યુરોપ પોતાના જ વિરુદ્ધ રશિયન યુદ્ધને ફન્ડિંગ કરી રહ્યું છે. અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, યુરોપે ભલે રશિયા સાથે પોતાની ક્રૂડ ઓઈલની ખરીદી મોટાભાગે સમાપ્ત કરી દીધી છે, પરંતુ હવે તે ભારતમાં રિફાઈન થઈ રહેલા રશિયન ક્રૂડ ઓઈલના ઉત્પાદનો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ રીતે યુરોપ પરોક્ષરૂપે રશિયા-યુક્રેન યુદ્ધને ફન્ડિંગ કરી રહ્યું છે. બેસેન્ટે આ કરારને અમેરિકા અને તેના સાથીઓ વચ્ચે બલિદાનમાં અસંતુલન તરીકે રજૂ કર્યા. તેમણે કહ્યું, એક તરફ અમેરિકાએ રશિયાના ઊર્જા વેપારને અસ્થિર કરવા ભારત પર દબાણ કર્યું છે. બીજીબાજુ યુરોપ વૈશ્વિક ક્રૂડ ઓઈલના વેપારમાં રહેલી ખામીઓતી આર્થિકરૂપે લાભ મેળવી રહ્યું છે.

ભારત-યુરોપીયન સંઘ વચ્ચે એફટીએની અસર

ભારતમાં વૈભવી કારો, ઈલેક્ટ્રોનિક ઉપકરણ, કેમિકલ્સ, દારૂ સસ્તા થશે

– ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા માટે યુરોપ ભારતને 500 મિલિયન ડોલરની સહાય કરશે

અમદાવાદ :  ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે એફટીએની વાટાઘાટો પૂરી થયા પછી ભારતમાં બીએમડબલ્યુ, મર્સિડીઝ, લેમ્બોર્ગિની અને ઓડી જેવી પ્રીમિયમ લક્ઝરી યુરોપિયન કાર આગામી દિવસોમાં ભારતીય બજારમાં સસ્તી થઈ શકે છે. આ સિવાય ભારતમાં કેમિકલ્સથી લઈને ઈલેક્ટ્રોનિક ઉપકરણો, દારૂ, વાઈન સહિતની વસ્તુઓ પણ સસ્તી થશે. બીજીબાજુ યુરોપીયન સંઘના નિકાસકારોને ડયુટીમાં વાર્ષિક ચાર અબજ યુરો સુધીની બચત થશે.

ભારત અને યુરોપીયન સંઘના દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ ભારત યુરોપીયન સંઘના ઓટોમોબાઇલ્સ પરના ટેરિફને તબક્કાવાર નાબૂદ કરશે. આ કરારના પગલે યુરોપની મર્સિડીઝ, ઔડી, બીએમડબલ્યુ, ફોક્સવેગન જેવી વૈભવી કારો પર હાલ લાગતી ૧૧૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી ઘટાડીને ૪૦ ટકા અને પછી ક્રમશ: ૧૦ ટકા કરાશે. જોકે, તેમાં વાર્ષિક ૨.૫૦ લાખનો ક્વોટા રખાયો છે. ઇટાલિયન કાર ઉત્પાદક લેમ્બોર્ગિનીને આ કરારથી નોંધપાત્ર ફાયદો થવાની ધારણા છે. ઓટો સેક્ટર ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનો મુખ્ય ઘટક છે અને નોંધપાત્ર રોજગાર ઉત્પન્ન કરે છે. વધુમાં ઇલેક્ટ્રિક વાહનોના સંદર્ભમાં, ભારતે પ્રથમ પાંચ વર્ષ માટે તેના સ્થાનિક ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને રક્ષણ પૂરું પાડયું છે. કરારના પાંચમા વર્ષથી ઇલેક્ટ્રિક વાહન પર ટેરિફ કન્સેશન શરૂ થશે અને ધીમે ધીમે ઘટશે, વિવિધ સેગમેન્ટમાં ૩૦-૩૫ ટકાથી શરૂ થશે. આ સિવાય યુરોપની વાઈન, દારૂ, બિયર ઓલિવ ઓઈલ, માર્જરિન અને વનસ્પતિ તેલો, ફળોના રસ અને પ્રોસેસ્ડ ફૂડના ઉત્પાદનો પર લાગતી ડયુટી નાબૂદ કરાશે. કેમિકલ્સ પર લાગતો ૨૨ ટકા ટેક્સ,  દવાઓ અને મેડિકલ ઉત્પાદનો પર ૧૧ ટકા સુધીનો ટેક્સ મોટાભાગે રદ કરાશે. વિમાન અને સ્પેસક્રાફ્ટ પર લાગતો ટેરિફ શૂન્ય કરી દેવાયો છે. ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં કાપ કરવામાં ભારતની મદદ માટે આગામી બે વર્ષમાં યુરોપીયન સંઘ ૫૦૦ મિલિયન યુરોની મદદ કરશે. આ કરારથી ભારતમાં મોટાપાયા પર યુરોપનું રોકાણ આવશે. જર્મની, ફ્રાન્સ, ઈટાલીની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, જેથી રોજગારની નવી તકો ખુલશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ આઈટી, સોફ્ટવેર, ફિનટેક, પ્રોફેશનલ સર્વિસીસનો ભારતીય બજારમાં પ્રવેશ સરળ બનશે. સારવાર અને તપાસ સંબંધી મેડીકલ મશીનો પણ સસ્તા થશે.



Source link

Related Articles

Back to top button