राष्ट्रीय

ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjeel face prima facie case: Supreme Court rejects bail



– દિલ્હી હિંસા કેસમાં સુપ્રીમે અન્ય પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા 

– મૃત્યુ અથવા વિનાશ જ નહીં દેશની અર્થવ્યવસ્થાને જોખમમાં નાખવી પણ હિંસા : સુપ્રીમે યુએપીએનો દાયરો વધાર્યો 

– મારા માટે હવે જેલ જ જીવન છે, જે લોકોને જામીન મળ્યા તેમના માટે ખુશી વ્યક્ત કરું છું : ઉમર ખાલિદ

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૦માં ફાટી નીકળેલા કોમી રમખાણોનુ કાવતરુ ઘડવાના આરોપી અને પાંચ વર્ષથી ટ્રાયલ વગર કેદ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. જ્યારે આ કેસમાં આરોપી અન્ય પાંચ લોકોને સુપ્રીમે જામીન પર છોડવા આદેશ કર્યો હતો. ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન વી અંજારિયાની બેંચે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ જોતા ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની વિરુદ્ધ કેસ બની રહ્યો છે. 

ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા હતા. જ્યારે ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાના વર્ષે જ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી સાત આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરાઇ હતી. ઉમર ખાલિદ અને શરજીલ ઇમામની અરજી નામંજૂર કરાઇ હતી જ્યારે અન્ય આરોપીઓ ગુલફિશા ફાતિમા, મીરાન હૈદર, શિફાઉર રેહમાન, શાદાબ અહમદ અને મોહમ્મદ સલીમ ખાનને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

સુપ્રીમ કોર્ટે પાંચ લોકોના જામીન મંજૂર કરતી વખતે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ જામીન મંજૂર કરાયેલા આરોપીઓ અને જામીન નામંજૂર થયેલા આરોપી ઉમર ખાલિદ, શરજીલ આ બન્ને વચ્ચેના આરોપો અલગ અલગ છે તેથી તમામને એક સમાન આરોપી ના ગણી શકાય. ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે. હવે આ બન્ને આરોપીઓ એક વર્ષ બાદ આ મામલામાં ફરી જામીન માટે અપીલ કરી શકે છે તેવી સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે.  ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ ટ્રાયલ વગર જ પાંચ વર્ષથી કેદ છે, આટલો લાંબો સમય વગર ટ્રાયલે કેદ રાખવાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ટ્રાયલમાં વિલંબને ટ્રમ્પ કાર્ડ તરીકે ઉપયોગ ના કરી શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન ના મળતા નિરાશ થયેલા ઉમર ખાલિદે કહ્યું હતું કે હવે જેલ જ મારું જીવન છે, જે લોકોને જામીન મળ્યા તેમના માટે ખુશ છું. ઉમર ખાલિદનો આ સંદેશો તેની મિત્ર બાનોજ્યોત્સના લહીરી દ્વારા પોસ્ટ કરાયો હતો, તેમણે જણાવ્યું હતું કે ઉમર ખાલિદે કહ્યું છે કે જેમને પણ જામીન મળ્યા તેમના માટે હું બહુ જ ખુશ છું, મારા માટે હવે જેલ જ જિંદગી છે. આ કેસમાં તમામ સાત આરોપીઓની સામે યુએપીએ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે.  



Source link

Related Articles

Back to top button