दुनिया

Explainer: જીવનસાથી વિનાનું જીવન અને મૃત્યુ પછીનો ડર, ચીનમાં એક શાંત મોતના કારણે દુનિયાભરમાં ચર્ચા | Are You Dead The viral Chinese app death of Jiang Ting Loneliness problem



Are You Dead?: ડિસેમ્બર 2025માં ચીનના શાંઘાઈ શહેરમાં એક ઘટના બની. 46 વર્ષીય મહિલા જિયાંગ ટિંગનું અવસાન થયું. તે એકલી રહેતી હતી, લાંબા સમયથી બીમાર હતી અને તેના નજીકના કોઈ સગાં-સંબંધી નહોતા. પાડોશીઓ સાથે પણ તે ભાગ્યે જ વાત કરતી. તે દરરોજ સવારે કામ પર જતી, સાંજે ઘરે આવતી, અને જમીને ઊંઘી જતી. આ જ તેનું દૈનિક જીવન હતું. એ ઘરમાં એકલી મરી ગઈ, એની કોઈને ખબર ન પડી. એનું શરીર સડવા લાગ્યું અને ગંધાઈ ઊઠ્યું ત્યારે પડોશીઓએ પોલીસને કૉલ કર્યો અને સૌને જાણ થઈ કે જિયાંગ મરી ચૂકી છે. આ ઘટનાએ ચીનના સોશિયલ મીડિયામાં એક અલગ જ પ્રકારની ચર્ચા જગાવી.

એક મહિલાના શાંત મૃત્યુએ ઊભો કર્યો જટિલ પ્રશ્ન

જિયાંગ ટિંગના મૃત્યુ પછી એવો પ્રશ્ન ઊઠ્યો કે, જો કોઈ એકલી રહેતી વ્યક્તિ મરી જાય તો સમાજ તેની સાથે શું કરે? મૃતકને સમયસર અંતિમ સંસ્કાર પણ નસીબ ન થાય એ કેટલું અયોગ્ય કહેવાય! જિયાંગની મોત ફક્ત જિયાંગ પૂરતી ન રહેતા એના જેવા એકલા રહેતા લાખો લોકોની ચિંતાનું કારણ બની ગયું. સોશિયલ મીડિયા પર જાગેલી ચર્ચાઓનો સૂર એવો હતો કે, એકલા મરી જવામાં જેટલી તકલીફ હતી, એના કરતાં વધુ ડરામણો વિચાર એ હતો કે મારી લાશ મારા ઘરમાં પડી પડી સડી જશે!

પ્રશ્નોનું નિરાકારણ ‘આર યુ ડેડ?’ એપ દ્વારા મળ્યું 

જિયાંગના મોતને પગલે વાયરલ થયેલી ચર્ચા અને ચિંતાઓના કારણે ‘આર યુ ડેડ?’ નામની એક મોબાઇલ એપ પ્રકાશમાં આવી. એપ તો અગાઉથી કાર્યરત હતી જ, પણ એનો ફેલાવો જિયાંગના મોત પછી એકાએક વધી ગયો. 

‘આર યુ ડેડ?’ એપ કઈ રીતે કામ કરે છે?

એપનું નામ ‘આર યુ ડેડ?’ ડરામણું લાગે એવું છે, પણ આ એપ અનિશ્ચિતતાના ડરથી છુટકારો અપાવવાનું કામ કરે છે. આ એપમાં યુઝરે પોતાના નામ, સરનામા, ઉંમર, મોબાઇલ નંબર જેવી વિગતો નોંધવાની હોય છે. પછી દરરોજ સવારે આ એપ યુઝરને એક સવાલ પૂછે છે – ‘આર યુ ડેડ?’, જેનો જવાબ યુઝરે ‘ના’ પર ક્લિક કરીને આપી દેવાનો. એનો અર્થ એ કે યુઝર હજુ જીવે છે. જો સળંગ બે દિવસ સુધી યુઝર કોઈ જવાબ ન આપે તો એપ એવું માની લે છે કે કોઈપણ કારણસર યુઝરનું મૃત્યુ થઈ ગયું છે. તેથી એપ પોલીસને અને જો યુઝરે કોઈ મિત્ર વગેરેની વિગતો  નાંખી હોય તો તેમને યુઝરના મૃત્યુ વિશે જણાવી દે છે. 

મુદ્દો મજાકનો નથી, માનસિક શાંતિનો છે

‘આ કોઈ મરતા માણસનો જીવ બચાવી લેતી એપ તો છે નહીં! તો પછી મરી ગયા પછી શેની ચિંતા? ભલેને શરીર સડી જતું!’ એવી મજાક પણ ચીનના સોશિયલ મીડિયા પર ચાલી છે. પણ, ‘આર યુ ડેડ?’ એપનો ઉપયોગ કરનાર જણાવે છે કે, આ એપ તેમના માટે માનસિક શાંતિનું સાધન બની ગઈ છે. તેના ઉપયોગથી એમને રાહત મળી છે કે, એકલા મરવાનો વારો આવ્યો તો પણ તેઓ લાંબો સમય એક જગ્યાએ પડી નહીં રહે. કોઈક તો સમયસર એમના મૃત શરીર સુધી પહોંચીને એના અંતિમસંસ્કાર કરી જ આપશે. આ મુદ્દો મજાકનો નથી, પરંતુ મૃત્યુ પછીના અધિકાર, સન્માનનો છે.   

શું ‘આર યુ ડેડ?’ એપ ખરેખર મદદરૂપ છે?

માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો માને છે કે, આવી એપ્સ સંપૂર્ણ ઉકેલ નથી, પણ આ એક શરૂઆત છે. એપ દ્વારા અપાતો સધિયારો યુઝર્સને એવો અનુભવ કરાવે છે કે, ‘કોઈ છે, જે એમનું ધ્યાન રાખે છે.’ કેટલાક નિષ્ણાતો કહે છે કે, આવી એપ લોકોને જીવતેજીવ મદદ કરી શકે એવી હોવી જોઈએ, જેમાં ‘હું ઠીક નથી’ જેવી માહિતી આપીને યુઝર્સ મદદ મેળવી શકે. 

અશુભ નામનો વિવાદ અને વૈશ્વિક સ્તરે આગમન

‘આર યુ ડેડ?’ નામ બાબતે ચીનમાં વિવાદ પણ થયો. સમાજના એક વર્ગે તેને અશુભ ગણાવ્યું છે. તેથી તેની માલિક કંપનીએ નામ બદલવાની જાહેરાત કરી છે. પેઇડ હોવા છતાં આ એપનો ચીનમાં એટલો બધો વપરાશ થઈ રહ્યો છે કે એની માલિક કંપની હવે આ એપને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 

ચીનમાં વધતી એકલતાની સમસ્યા 

ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્ન અને જન્મ દર ઐતિહાસિક રીતે ઘટ્યા છે. 2024માં માત્ર 61 લાખ લગ્ન થયા હતા, જ્યારે કે એકલા રહેતા લોકોની સંખ્યા કરોડોમાં પહોંચી ગઈ છે. 2030 સુધીમાં ચીનમાં 20 કરોડથી વધુ લોકો એકલા રહેતા હોવાનો અંદાજ છે. લોકો લગ્ન નથી કરતા એના મુખ્ય કારણો નીચે મુજબ છે. 

– ચીનના યુવાનો કામ-ધંધા માટે એક શહેરથી બીજા શહેરમાં ફરતા રહે છે. પરિવારને ગામડામાં છોડીને શહેરમાં એકલા રહેવું પડે છે. 

– ચીનમાં કામની ‘996’ સિસ્ટમ છે, જેમાં સવારના 9 થી રાત્રિના 9 સુધી, અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું હોય છે. 12 કલાકની નોકરી માનસિક તણાવનું મોટું કારણ છે. આ રીતે જીવતાં લોકો પાસે મિત્રતા, પ્રેમ અથવા સામાજિક જીવન માટે સમય જ નથી રહેતો. 

– કરોડો યુવાનો એક હદ કરતાં વધુ નથી કમાતા, જેને લીધે જીવનમાં સ્થિરતા મળતી નથી. જીવનખર્ચને પહોંચી ન વળાતું હોવાથી પણ યુવાનો લગ્ન કરી શકતા નથી. 

– ચીનની નવી પેઢીની શિક્ષિત અને સ્વતંત્ર મહિલાઓ પરંપરાગત સંબંધોમાં બંધાવા ઇચ્છતી નથી. તેઓ પોતાની રીતે જીવવા માંગે છે.

– આજના ટેક્નોલોજિકલ જમાનામાં AI સાથીઓ, વર્ચ્યુઅલ બોયફ્રેન્ડ્સ અને હવે સલામતી માટેની એપ્સ પણ મળી રહેતી હોવાથી પણ મહિલાઓ લગ્ન બંધનમાં બંધાવાથી ખચકાય છે.

આ પણ વાંચો: ગોલ્ડ ઈઝ કિંગ! ભારતની ઈકોનોમીથી 8 ગણી થઈ સોનાની માર્કેટકેપ, ચીન-અમેરિકા પણ પાછળ

ચિંતા માત્ર ચીનની નથી, વૈશ્વિક છે

આ વાત ફક્ત ચીનની નથી. દુનિયાભરના મોટા શહેરોમાં જીવતા એકલા લોકોની આ જ કહાણી છે. આધુનિક જીવનશૈલીને લીધે માનવીય જોડાણ તૂટી રહ્યાં છે, એ વરવી વૈશ્વિક વાસ્તવિકતા છે. જ્યાં પારિવારિક બંધનોના મૂળિયાં ખાસ્સાં ઊંડા છે, એવું ભારત પણ એમાંથી બાકાત નથી. ‘આર યુ ડેડ?’ જેવી એપ્સ એક ટેક્નોલોજિકલ સહાય છે, પણ એ સાથે એ એક મોટો પ્રશ્ન પણ પૂછે છે કે, ‘શું આપણે એટલા બધા એકલા થઈ ગયા છીએ કે આપણા જીવતા હોવાનો પુરાવો આપવો પડે?’



Source link

Related Articles

Back to top button