ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન, કહ્યું- આપણાં સંબંધો ઐતિહાસિક | Republic Day 2026 Donald Trump Calls India US Relations Historic Amid Tariff Tensions

![]()
Republic Day 2026: ભારતમાં 77મા પ્રજાસત્તાક દિવસે દુનિયાભરના દેશોએ શુભેચ્છા પાઠવી. આ દરમિયાન ભારત પર ટેરિફ લગાવનારા ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં ભારત અને અમેરિકાને દુનિયાના સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્ર ગણાવ્યું.
ટ્રમ્પનું પ્રજાસત્તાક દિવસે મોટું નિવેદન
અમેરિકાના દૂતાવાસ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પનો શુભેચ્છા મેસેજ સોશિયલ મીડિયામાં પર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રમ્પે લખ્યું કે, “સંયુક્ત રાજ્ય અમેરિકાની જનતા તરફથી ભારત સરકાર અને ભારતના લોકોને 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. દુનિયાના સૌથી જૂના અને મોટા લોકતંત્રના સ્વરૂપે અમેરિકા અને ભારતના સંબંધો ઐતિહાસિક છે.”
યુએસ એમ્બેસેડરે શું કહ્યું?
ટ્રમ્પના નિવેદન બાદ, યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, “તેઓ પહેલીવાર ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાનું સન્માન અનુભવી રહ્યા છે. ભારતીય આકાશ ઉપર ઉડતા અમેરિકન બનાવટના વિમાનોને જોવું એ યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની મજબૂત રાજકીય ભાગીદારીનું શક્તિશાળી પ્રતીક છે.”
નોંધનીય છે કે, ગત પ્રજાસત્તાક દિવસથી લઈને આ પ્રજાસત્તાક દિવસ સુધી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. ટ્રમ્પના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં, અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, અને બંને દેશો વચ્ચે મતભેદ રહ્યા હતા. ટ્રમ્પે ખુલ્લેઆમ ભારતની અર્થવ્યવસ્થાને મૃત ગણાવી હતી. આ પછી, વડાપ્રધાન મોદીએ પણ ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેઓ ભારતના ખેડૂતોના હિત માટે વ્યક્તિગત નુકસાનનો પણ વિચાર કરશે નહીં.
આ પણ વાંચો: દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ
અમેરિકાએ ભારતના વ્યાપાર નુકસાનને લઈને ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો. ત્યારબાદ રશિયન તેલ ખરીદવાને લઈને ટ્રમ્પે વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરી. ભારતે આ ટેરિફને અન્યાયી ગણાવ્યો અને કહ્યું કે તે તેની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે જરૂરી કોઈપણ પગલાં લેશે.


