નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય, પાકિસ્તાનને જોરદાર ઝટકો | UAE Backs Out of Pakistan Airport Deal After President Nahyan’s Surprise India Visit

![]()
UAE and Pakistan News : સંયુક્ત આરબ અમીરાત(UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની તાજેતરની ભારત મુલાકાત બાદ દક્ષિણ એશિયાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ મુલાકાત બાદ યુએઈ એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.
મોટી ડીલ કેન્સલ!
UAEના પ્રમુખ નાહ્યાનની અચાનક થયેલી ભારત મુલાકાત બાદ પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાતે ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના સંચાલન માટેની યોજનામાંથી પોતાને અલગ કરી લીધા છે. ઑગસ્ટ 2025માં થયેલી આ મહત્ત્વની ડીલ હવે લગભગ રદ થઈ ગઈ છે.
પાકિસ્તાનથી કેમ મોઢું ફેરવી રહ્યું છે UAE?
પાકિસ્તાની અખબારના રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટમાંથી UAEએ પીછેહઠ કરી છે અને ઍરપોર્ટ સંચાલન માટે કોઈ સ્થાનિક ભાગીદારની પસંદગી પણ કરી નથી. પાકિસ્તાનથી UAEના મનભંગ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
સુરક્ષા અને શાસન: પાકિસ્તાનમાં નબળું ગવર્નન્સ, સુરક્ષા ચિંતાઓ અને રાજકીય દખલગીરીને કારણે સરકારી એકમોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
સાઉદી સાથેની નિકટતા: પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે વધતી નિકટતાથી UAE નારાજ હોવાનું માનવામાં આવે છે, કારણ કે સાઉદી અને UAE વચ્ચેના સંબંધોમાં હાલ ખટાશ વધી રહી છે.
ભરોસાનો અભાવ: પાકિસ્તાની સરકારી એકમોને સસ્તા ભાવે વેચવાની નોબત આવી છે, જેના કારણે રોકાણકારોનો ભરોસો ડગમગ્યો છે.
ભારત-UAE સંબંધોમાં નવો અધ્યાય
પાકિસ્તાન સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે ભારત અને UAE વચ્ચેની મિત્રતા નવી ઊંચાઈએ પહોંચી છે. નાહ્યાનની ભારત મુલાકાત દરમિયાન અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે:
સંરક્ષણ સમજૂતી: બંને દેશો વચ્ચે થયેલી વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીને પાકિસ્તાન અને સાઉદી વચ્ચેની ડીલનો જડબાતોડ જવાબ માનવામાં આવે છે.
કેદીઓની મુક્તિ: UAE એ સદ્ભાવનાના પ્રતીક રૂપે 900 ભારતીય કેદીઓને મુક્ત કરવાની મંજૂરી આપી છે.
વેપાર લક્ષ્યાંક: PM મોદી અને નાહ્યાન વચ્ચેની બેઠકમાં 2032 સુધીમાં દ્વિપક્ષીય વાર્ષિક વેપારને 200 અબજ અમેરિકન ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.
નિષ્ણાતોનો મત
એક સમયે પાકિસ્તાનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર રહેલું UAE હવે ભારત તરફ વધુ ઝુકેલું જણાય છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને લાયસન્સ વિવાદોએ અબુ ધાબીને આ પ્રોજેક્ટ્સથી દૂર રહેવા મજબૂર કર્યું હોય તેમ લાગે છે.



