બાઇક ચોરીને ભાગતા ચોરને પકડ્યો, અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો, છોટાઉદેપુરની ચોંકાવનારી ઘટના | Chhota Udepur Incident: Locals Catch Bike Thief Public Punishment Sparks Outrage

![]()
Chhota Udaipur News: છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં બાઇક ચોરી કરી ભાગી રહેલા એક ચોરને લોકોએ રંગેહાથ ઝડપી પાડી, પોલીસને સોંપવાને બદલે જાહેરમાં સજા આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભીડ દ્વારા ચોરને અર્ધનગ્ન કરી, તેનું મુંડન કરાવીને હાર પહેરાવી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, કવાંટ ખાતે એક વ્યક્તિ શાકભાજી ખરીદવા માટે આવ્યો હતો, ત્યારે તેની નજર ચૂકવી ત્રણ ચોરોની ટોળકી બાઇક ચોરીને ભાગી રહી હતી. બાઇક માલિકે તાત્કાલિક ચોરોનો પીછો કર્યો હતો અને બૈડીયા વિસ્તાર પાસે એક ચોરને દબોચી લીધો હતો, જ્યારે તેના અન્ય બે સાથીદારો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો: SC મોરચાના પ્રમુખ મુદ્દે કોંગ્રેસમાં ડખો: મેવાણી અને કિરીટ પટેલ સામ-સામે થયા
બાઇક ચોર પકડાયો હોવાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કાયદો હાથમાં લઈને ચોરને મેથીપાક આપ્યો હતો. એટલું જ નહીં, તેને અર્ધ નગ્ન કરી, તેનું મુંડન કરાવી દીધું હતું. ત્યારબાદ તેને હાર પહેરાવી આખા વિસ્તારમાં જાહેરમાં ફેરવવામાં આવ્યો હતો. લોકોએ જ ચોરનો વરઘોડો કાઢી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.



