વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી | Gujarat Marks 77th Republic Day 2026 at Vav–Tharad with Governor CM and Flower Shower

![]()
Republic Day 2026: આજે (26મી જાન્યુઆરી) સમગ્ર રાજ્યમાં 77માં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાયો હતો. જ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો હતો.
વાવ-થરાદમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી
વાવ-થરાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાત પોલીસના 1600 જેટલા જવાનોએ 22 પ્લાટુનમાં વિભાજિત થઈને શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી છે.તેમણે જણાવ્યું છે કે, ‘સૌ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની અનેકાનેક શુભકામનાઓ. આ પાવન અવસરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિવીરો અને ભારતીય લોકશાહીના પાયા સમાન બંધારણના ઘડવૈયાઓને વંદન. વિકસિત ભારત @ 2047 ના લક્ષ્ય તરફ દેશ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આવો, આપણે સૌ એકતા અને સમરસતાના તાંતણે બંધાઈને ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવના સાથે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીએ અને ભારતને વિશ્વના શિખર સ્થાને બિરાજમાન કરવાના પુરુષાર્થમાં સહભાગી બનીએ.’
મકરબા ખાતે નાયબ મુખ્યમંત્રીએ લહેરાવ્યો તિરંગો
અમદાવાદ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો. જ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ, હોમગાર્ડ, GRD અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની ટુકડીઓએ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. આ વર્ષે 14 ભવ્ય ટેબલો (ઝાખીઓ) રજૂ કરવામાં આવી હતી. જેમાં 10 ટેબલો સરકારી વિભાગોની વિકાસગાથા અને 4 ટેબલો પોલીસ વિભાગની કામગીરી દર્શાવતા હતા.



