SC મોરચાના પ્રમુખ મુદ્દે કોંગ્રેસમાં ડખો: મેવાણી અને કિરીટ પટેલ સામ-સામે થયા | Gujarat Congress Faces Infighting After SC Cell Row Mevani and Kirit Patel Lock Horns

![]()
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે. પાટણ એસસી સેલના પ્રમુખની નિમણૂકને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે જામી છે. વીર મેઘમાયા સાતમની રેલીમાં મેવાણીએ આપેલા આક્રમક નિવેદન બાદ હવે પાટીદાર નેતાઓએ પણ મેદાને ઉતરીને વળતો પ્રહાર કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.
જિજ્ઞેશ મેવાણીના આક્રમક તેવર
પાટણમાં આયોજિત એક જાહેર મંચ પરથી જિજ્ઞેશ મેવાણીએ કોઈનું નામ લીધા વગર કિરીટ પટેલ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોઈના મનમાં જો એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પરથી મારીશું, તો એ ફાંકા કાઢી નાખે. તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે.’ મેવાણીના આ ‘નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
કિરીટ પટેલે આપી પ્રતિક્રિયા
મેવાણીના પ્રહાર સામે ધારાસભ્ય કિરીટ પટેલે સંયમ જાળવતા પ્રતિક્રિયા આપી કે, ‘સામાજિક સમરસતા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. કોઈ પણ ધારાસભ્યએ વર્ગવિગ્રહ ઉભો ન થાય તેની કાળજી રાખીને નિવેદનબાજી કરવી જોઈએ.’ નોંધનીય છે કે, એસસી મોરચાના પ્રમુખની નિમણૂક મુદ્દે કિરીટ પટેલ લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા
પાટીદાર નેતાઓની એન્ટ્રી
કિરીટ પટેલ વિરુદ્ધના નિવેદનને લઈને પાટીદાર સમાજના નેતાઓએ મેવાણીને આડે હાથ લીધા છે. પાટીદાર નેતા વરૂણ પટેલે કહ્યું કે, ‘પાર્ટી ગમે તે હોય, કિરીટ પટેલ સામાજિક સાથી છે. જો અમે ‘ફૂદા’ ઉડાડીશું તો તે શાંતિ માટે જોખમી સાબિત થશે.’ દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ‘મેવાણીએ અહમમાં મર્યાદા ન ભૂલવી જોઈએ. માત્ર અસ્તિત્વ ટકાવવા લડાઈ કરતો નેતા ક્યારેય સફળ થતો નથી.’
કોંગ્રેસ પક્ષ દ્વારા પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, તેની સામે કિરીટ પટેલના સમર્થકોને વાંધો છે. બીજી તરફ જિજ્ઞેશ મેવાણી આ નિમણૂકના પક્ષમાં છે. પક્ષના આંતરિક મુદ્દાએ હવે ‘દલિત વિરુદ્ધ પાટીદાર’ જેવો સામાજિક વળાંક લીધો છે, જે આગામી સમયમાં કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.


