77મો પ્રજાસત્તાક દિવસ 2026: EUના નેતાઓ મુખ્ય અતિથિ, પરેડમાં પ્રથમવાર દેખાશે ‘ફેઝ્ડ બેટલ એરે’ | Republic Day 2026 Live: India Celebrates 77th Republic Day at Kartavya Path

![]()
Republic Day 2026 Live: ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે. આ વર્ષનો સમારોહ ‘વંદે માતરમ’ ના 150 વર્ષની થીમ પર આધારિત છે, જેની આગેવાની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરી રહ્યા છે.
Republic Day 2026 Live UPDATES
મુખ્ય અતિથિ અને આંતરરાષ્ટ્રીય હાજરી આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રંગ ઉમેરતા યુરોપિયન યુનિયનનું એક દસ્તો પણ ચાર ઝંડાઓ સાથે પરેડમાં ભાગ લેશે. વિશેષ અતિથિ તરીકે 40 દેશોના બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ પણ હાજર રહેશે, જે વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપશે.
સૈન્ય શક્તિનું નવું આકર્ષણ
‘ઓપરેશન સિંદૂર’ પરેડમાં ભારતની સૈન્ય તાકાતનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે. આ વખતે ‘ઓપરેશન સિંદૂર’ માં વપરાયેલા પ્રમુખ હથિયારો અને નવી રચાયેલી સૈન્ય ટુકડીઓના મોડેલ રજૂ કરવામાં આવશે. સૌથી ખાસ આકર્ષણ ભારતીય સેનાનું ‘ફેઝ્ડ બેટલ એરે’ (Phased Battle Array) પ્રદર્શન હશે, જેમાં ડ્રોન, ટેન્ક અને તોપખાના દ્વારા અસલી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે.
કાર્યક્રમની રૂપરેખા અને પરંપરા
ઉજવણીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને મુખ્ય અતિથિઓ પરંપરાગત બગીમાં સવાર થઈ કર્તવ્ય પથ પહોંચશે. પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને આશરે 90 મિનિટ સુધી ચાલશે, જેમાં 21 તોપોની સલામી, વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને Mi-17 હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે.
વડાપ્રધાનનો સંદેશ
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ભારતની આન-બાન અને શાનનું પ્રતીક એવો આ રાષ્ટ્રીય પર્વ સૌના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે”.

