ફલોલીની પરિણીતાની પતિ, સાસરિયાના ત્રાસથી કંટાળી નહેરમાં મોતની છલાંગ | fed up with the harassment of her husband and in laws jumped to her death in a canal

![]()
– બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
– મહુધા પોલીસે પતિ સહિત સાસરિયા સામે આપઘાત કરવા દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : મહુધા તાલુકાના ફલોલી ગામની પરિણીતાએ પતિ, સાસુ તેમજ નણંદ-નણંદોઇ ત્રાસથી કંટાળી જઈને કેનાલના પાણીમાં ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો હતો. આ મામલે
મહુધા પોલીસે પતિ સહિત સાસરિયા સામે આપઘાત કરવા દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહુધા તાલુકાના ફલોલી ગામમાં રહેતા સંજય રાવજી રાવળના લગ્ન પંદર વર્ષ પહેલાં બોરસદ તાલુકાના ભાદરણ ગામના જશીબેન વિનુભાઇ સોમાભાઇ રાવળની દીકરી સંગીતાબેન રાવળના સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં પરિણીતાનું લગ્નજીવન સુખમય રીતે પસાર થયું હતું. આ લગ્ન જીવન દરમિયાન તેણીને ૧૪ વર્ષની દીકરી ડિમ્પલ અને ૧૨ વર્ષના દીકરો સચિન એમ બે બાળકો છે. આ દરમિયાન છેલ્લા દસેક વર્ષથી સંગીતાબેનને પતિ સંજય, સાસુ નંદા, નણંદ રાધા અને નણંદોઇ મનોજ રાવળ અવારનવાર ઘરકામ બાબતે તેમજ ‘તું ગમતી નથી, તારા પિયરીયા ભીખારી છે, સંજય માટે બીજી પત્ની લાવવાની છે’ તેવા મહેણાં-ટોણાં મારીને શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ દરમિયાન સંગીતાબેનને ગત તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ સાસરિયાએ પહેરેલા કપડે કાઢી મૂકી હતી. જેથી તેણીએ પિયરની વાટ પકડી હતી બાદમાં તા. ૨૨-૦૧-૨૦૨૬ના રોજ નણંદ રાધા અને નણંદોઇ મનોજ હવે પછી તકલીફ નહીં પડે તેવી ખાતરી આપી સંગીતાબેનને સાસરીમાં બોલાવી ગયા હતા. બાદ તે જ દિવસે સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ સંગીતાબેને સાસરિયાના ત્રાસથી કંટાળી ફલોલી સીમમાંથી પસાર થતી નહેરમાં પડતું મૂકી જિંદગીનો અંત આણ્યો હતો.
બાદમાં બીજા દિવસે તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ કઠલાલ પોલીસની હદની નહેરમાંથી પરિરણીતાની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે આ અંગે તેણીના પતિ સંજય રાવજી રાવળ, સાસુ નંદા રાવજી રાવળ, નણંદ રાધા મનોજ રાવળ અને નણંદોઈ મનોજ કાભઇ રાવળ સામે આપઘાત કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



