राष्ट्रीय

ધર્મેન્દ્ર, શિબુ સોરેન, રોહિત શર્મા, હરમનપ્રિત સહિત 131ને પદ્મ એવોર્ડ | 131 people including Dharmendra Shibu Soren Rohit Sharma Harmanpreet get Padma awards



– કેરળના પૂર્વ સીએમ અચ્યુતાનંદનને મરણોત્તર પદ્મ વિભૂષણ

– અલકા યાજ્ઞિાક, ઉદય કોટક, મમૂટી, ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ સહિત ૧૩ લોકોની પદ્મ ભૂષણ માટે પસંદગી

– આર. માધવન, સતીશ શાહ, રાજસ્થાનના બે લોક કલાકાર ગફરુદ્દીન અને ટગા રામ સહિત કુલ ૧૧૩ને પદ્મ શ્રી એનાયત થશે 

– ગુજરાતમાંથી અરવિંદ વૈદ્ય, મીર કાસમભાઈ, ધાર્મિક ચુનિલાલ પંડયા, નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી

નવી દિલ્હી: દિવંગત કલાકાર ધર્મેન્દ્ર, કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદન, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ક્રિકેટર રોહિત શર્મા, મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટન હરમનપ્રિત સહિત કુલ ૧૩૧ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરાઈ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. પદ્મ એવોર્ડ માટે ગુજરાતમાંથી પાંચ પ્રતિષ્ઠિતો અરવિંદ વૈદ્ય, ધાર્મિક ચૂનિલાલ પંડયા, મીર હાજી કાસમભાઈ, સામાજિક કાર્યકર નિલેશ મંડેલવાલા અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની પણ પસંદગી થઈ છે. આ સિવાય મહારાષ્ટ્રમાંથી ગુજરાતી ગાયક અલકા યાજ્ઞાક અને ઉદ્યોગપતિ ઉદય કોટકની પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદગી થઈ છે.

ભારતના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાં સામેલ પદ્મ પુરસ્કારો માટે કળા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાાન, સ્પોર્ટ્સ, સામાજિક સેવા અને જાહેર જીવન સહિત વિવિધ ક્ષેત્રોમાં સમાજ પર સ્થાયી અસર કરનારા લોકોનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રવિવારે પદ્મ પુરસ્કાર ૨૦૨૬નું સન્માન મેળવનારા લોકોની સત્તાવાર યાદી જાહેર કરી હતી. પદ્મ એવોર્ડ માટે પસંદ થયેલા આ પ્રતિષ્ઠિતોને પાછળથી રાષ્ટ્રપતિ ભવનમાં એક સન્માન સમારંભમાં એવોર્ડ એનાયત કરાશે.

ગૃહમંત્રાલય દ્વારા ‘અનસંગ હિરો એટલે કે ગુમનામ નાયકો’ની શ્રેણીમાં દેશભરમાંથી ૪૫ એવા લોકોને પદ્મશ્રી એનાયત કરાશે, જેમાં પૂર્વ બસ કન્ડક્ટર, ડોક્ટર, કલાકાર અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. આ બધા લોકોએ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપ્યું છે. સરકારે દેશના ખૂણે ખૂણેથી એવા સામાન્ય નાગરિકોને આ પુરસ્કાર માટે પસંદ કર્યા છે, જેમણે સમાચારોમાં ચમક્યા વિના નિસ્વાર્થ સેવા કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે વર્ષ ૨૦૨૬ માટે રવિવારે જાહેર કરેલા કુલ ૧૩૧ પદ્મ પુરસ્કારોમાંથી દિવંગત કલાકાર ધર્મેન્દ્ર, કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનને મરણોત્મર, કેટી થોમસ, પી. નારાયણન તથા એન. રાજમને પદ્મવિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. પદ્મવિભૂષણ પુરસ્કાર મેળવનારા પાંચમાંથી ત્રણ કેરળના છે.

વધુમાં મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મલયાલમ અભિનેતા મમૂટી, દિવંગત એડ ગુરુ પિયુષ પાંડે (મરણોત્તર), ઝારખંડના ઝારખંડ મુક્તિ મોરચાના નેતા શિબુ સોરેન (મરણોત્તર), ભાજપ નેતા વીકે મલ્હોત્રા (મરણોત્તર) અને ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ સહિત ૧૩ લોકોની પદ્મ ભૂષણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.

પદ્મ શ્રી એવોર્ડ માટે કુલ ૧૧૩ લોકોની પસંદગી કરાઈ છે, જેમાં ક્રિકેટર રોહિત શર્મા અને મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર, બોલિવૂડમાંથી આર. માધવન, સતીશ શાહ (મરણોત્તર)નો સમાવેશ થાય છે. સાથે જ ભારત સરકારે અમેરિકા, જર્મની અને જ્યોર્જિયામાંથી પણ સ્પોર્ટ્સ, કળા, મેડિસિનના ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકોની પદ્મ પુરષ્કાર માટે પસંદગી કરી છે.



Source link

Related Articles

Back to top button