બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman Stranded in Belarus Returns Home Safely After Viral Video Exposes Agent

![]()
Job Scam Abroad: વિદેશમાં સારી નોકરી અને ઉંચા પગારના સપના જોતી નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. વડોદરાના એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલી મીના જોશી નામની મહિલા આખરે સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોની મદદથી સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે.
સપનું ઉંચા પગારનું, હકીકત તબેલાની
નવસારીના મીના જોશીને વડોદરાના એક એજન્ટે બેલારૂસમાં ફ્રૂટ પેકિંગનું કામ હોવાની લાલચ આપી હતી. એજન્ટે વચન આપ્યું હતું કે તેને માસિક 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે. આ આશાએ મીનાબહેને 7થી 8 લાખ રૂપિયાનું મોટું દેવું કરીને વિદેશ પ્રયાણ કર્યું. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેમને મુખ્ય શહેર મિન્સ્કથી 400 કિ.મી. દૂર એક પછાત ગામડામાં તબેલામાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
મુશ્કેલ પરિસ્થિતિમાં મીનાબહેને હિંમત ન હારી. જ્યારે રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કથળી ત્યારે તેમણે પોતાનું શોષણ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો.
સામાજિક સંગઠનો મહિલાની મદદે આવ્યા
મહિલાનો વીડિયો વાઈરલ થતાં જ તંત્ર, સામાજિક સંગઠનો અને બ્રહ્મસમાજ સહિતના લોકો મદદ માટે આગળ આવ્યા. સ્થાનિક લોકો અને ત્યાં રહેતા ભારતીયોએ પણ તેમને સહારો આપ્યો. ચારેબાજુથી દબાણ વધતાં, જે એજન્ટે તેમને વિદેશ મોકલ્યા હતા, તેને અંતે બેલારૂસથી ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવી પડી.
જ્યારે મીના જોશી નવસારી પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પરિવારજનો સાથે મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમયના સંઘર્ષ બાદ પરત ફરેલી મહિલાએ હવે ન્યાયની લડત શરૂ કરી છે. મહિલાએ એજન્ટ પાસે વિદેશ જવા માટે ખર્ચાયેલા 7થી 8 લાખ રૂપિયા પરત માંગ્યા છે. જો એજન્ટ પૈસા પરત નહીં કરે, તો તેની સામે છેતરપિંડી અને માનવ તસ્કરી અંગે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે વિદેશ જવા માટે અધિકૃત એજન્ટોની જ પસંદગી કરવી જોઈએ અને પૂરી તપાસ વિના લાખો રૂપિયાનું દેવું કરીને અજાણ્યા દેશમાં ન જવું જોઈએ.



