બોર્ડર-2ના ગીત પર વિવાદ: સોનુ નિગમે નારાજ જાવેદ અખ્તરને આપ્યો જવાબ | border 2 sandese aate hai controversy sonu nigam reply javed akhtar

Sandese Aate Hai Remake Controversy: હિન્દી સિનેમાના ઈતિહાસમાં કેટલીક ધૂન એવી હોય છે જે માત્ર ગીત મટીને એક લાગણી બની જાય છે. વર્ષ 1997માં આવેલી ‘બોર્ડર’ ફિલ્મનું અમર ગીત ‘સંદેશા આતે હૈં’ કંઈક આવું જ છે. આજે જ્યારે ‘બોર્ડર 2’ રિલીઝ થઈ ગઈ છે, ત્યારે આ આઈકોનિક ગીતની વાપસીએ માત્ર જૂની યાદો જ તાજી નથી કરી, પરંતુ બોલિવૂડમાં ‘મૌલિકતા વિરુદ્ધ રિમેક’ની એક ગંભીર ચર્ચા પણ છેડી દીધી છે. આ વિવાદમાં ગીતકાર જાવેદ અખ્તર અને મૂળ ગીતના ગાયક સોનુ નિગમના રિએક્શન પણ સામે આવ્યા છે. તેમનું માનવું છે કે કેટલીક ધૂન એવી હોય છે જેને તમે એ વાર્તાઓથી અલગ કરી શકતા નથી.
મૂળ ધૂન અને નવા શબ્દોનો સંગમ
વર્ષ 1997માં ‘સંદેશા આતે હૈં’ને પોતાના યાદગાર અવાજથી અમર કરનાર સોનુ નિગમે હવે તેના સિક્વલ ગીત ‘ઘર કબ આઓગે’માં પણ સુર પુરાવ્યા છે. જોકે આ નવા ગીતની ધૂનમાં તેના મૂળ આત્મા અને લાગણીઓને અકબંધ રાખવામાં આવ્યા છે, પરંતુ તેના શબ્દો મનોજ મુન્તાશીરની કલમે નવા સ્વરૂપે લખાયા છે. સોનુ નિગમ ઉપરાંત, આ આખા સાઉન્ડટ્રેકને વધુ પ્રભાવશાળી બનાવવા માટે અરિજિત સિંહ, દિલજીત દોસાંજ અને વિશાલ સિંહ જેવા દિગ્ગજ ગાયકોના અવાજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સોનુ નિગમે વીડિયો શેર કર્યો
ફિલ્મની રિલીઝ પહેલા સોનુ નિગમે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ શેર કર્યો હતો. આમાં તેમણે ‘બોર્ડર 2’ને રાષ્ટ્રને સમર્પિત કરી અને આ ફ્રેન્ચાઇઝી સાથેની તેમની લાંબી મુસાફરી પર વાત કરી. સિંગરે કહ્યું કે, ‘હું 1997માં બોર્ડરના પહેલા પ્રીમિયર માટે ગયો હતો અને હવે 2026માં, હું બોર્ડર 2ના પ્રીમિયર પર ઊભો છું. મને ક્યારેય નહોતું લાગ્યું કે આ સુંદર સફર આટલા વર્ષો સુધી ચાલશે.’ તેણે દર્શકોના સતત મળતા પ્રેમ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: વૃદ્ધે મારી કમર પકડી, અભદ્ર ઈશારા કર્યા…, બોલિવૂડ અભિનેત્રી સાથે હરિયાણામાં છેડતી
જાવેદ અખ્તરે વ્યક્ત કરી હતી નારાજગી
આ ગીતને લઈને વિવાદ ત્યારે વકર્યો જ્યારે જાવેદ અખ્તરે ક્લાસિક ગીતોને રિમેક કરવાના ટ્રેન્ડની ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેમણે આને ‘બૌદ્ધિક અને રચનાત્મક દેવાળું’ ગણાવ્યું હતું. જાવેદ અખ્તરે ખુલાસો કર્યો કે તેમણે સિક્વલ માટે ‘સંદેશા આતે હૈં’ના નવા બોલ લખવાની ના પાડી દીધી હતી. જોકે, પાછળથી ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે ફિલ્મની ઇમોશનલ ઓળખ માટે આ ગીતને રાખવું ખૂબ જ જરૂરી હતું.
સોનુ નિગમનું રિએક્શન
જાવેદ અખ્તરની ટિપ્પણીનો જવાબ આપતા સોનુએ વરિષ્ઠ ગીતકાર પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું અને પોતાનો પક્ષ રાખ્યો. સોનુ નિગમે કહ્યું કે, ‘હા, જાવેદ સર બિલકુલ સાચું કહી રહ્યા છે કે જૂના ગીતોને પાછા લાવવા સારા નથી. પરંતુ જો બોર્ડર એક સૈનિક છે, તો ‘સંદેશા આતે હૈં’ તેની વર્દી છે. આપણે આ ગીત વગર બોર્ડર વિશે વિચારી શકતા નથી પણ જાવેદ સાહેબ ‘બોર્ડર 2’ના નવા ગીત ‘મિટ્ટી કે બેટે’ની ચોક્કસ પ્રશંસા કરશે, જે સૈનિકો અને રાષ્ટ્રને સમર્પિત એક શ્રદ્ધાંજલિ છે.’
અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી ‘બોર્ડર 2’, ડાયરેક્ટર જે.પી. દત્તાની ઐતિહાસિક વોર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. આ સીક્વલમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટીએ કામ કર્યું છે. જે.પી. દત્તા અને નિધિ દત્તા દ્વારા નિર્મિત આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.




