गुजरात

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayaraj Ahir finally arrested after 26 days



– મહિલા ડિવાયએસપી ઝાલાએ મોટા ઉપાડે ક્લિનચીટ આપ્યા બાદ એસઆઈટીને જયરાજ આહિર વિરૂદ્ધ પુરાવા મળ્યાં

– મોબાઈલ સંપર્કો, લોકેશન અને નિવેદનોના આધારે ડાયરા કલાકાર માયાભાઈના પુત્રની સંડોવણી ખુલી, કોર્ટમાં રજૂ કરાશે : કુલ આરોપીઓની સંખ્યા 14 થઈ : આખરે ન્યાયની જીત, જયરાજ જશે જેલમાં

ભાવનગર : બગદાણાના કોળી યુવાન ઉપર ૨૬ દિવસ પૂર્વે થયેલા હુમલાનું પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાના એરણે છે, ત્યારે પ્રથમથી જ પીડિત દ્વારા ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આપ્યું હોવા છતાં પોલીસની ઢીલી નીતિને લઈ તપાસ ખોરંભે ચડી હતી. ત્યારબાદ એસઆઇટીની ઊંડાણપૂર્વકની તપાસમાં પુરતા પુરાવા મળતા આજે બીજું સમન્સ પાઠવી આઇજી કચેરીએ બોલાવી ચર્ચાસ્પદ ઘટનામાં આખરે ન્યાયની જીત થઈ હોય તેમ જયરાજનું નામ આરોપી તરીકે ઉમેરી એસઆઈટીએ શખ્સની ધરપકડ કરી લીધી છે.

એસઆઈટીની તપાસમાં તમામ લોકોના મોબાઈલ સંપર્કો, નિવેદનો, મોબાઈલ લોકેશનના આધારે સમગ્ર હુમલામાં જયરાજ આહિરની સંડોવણીના પુરતા પુરાવા મળતા આજે ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બીજી વખત એસઆઈટીનું તેડું આવતા જયરાજ આહિર રેન્જ આઈજી કચેરીએ પહોંચ્યો હતો અને આજે આશરે બે કલાક જેટલી પૂછપરછ બાદ એસઆઈટીએ જયરાજનું આરોપી તરીકે નામ ઉમેરી સત્તાવાર તેની ધરપકડ કરી હતી. રેન્જ આઈજીએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, એસઆઈટીની તપાસમાં પ્રાથમિક માહિતી, નિવેદનો અને ટેકનિકલ સોર્સના આધારે પકડાયેલા આરોપીઓના સંપર્કો જયરાજ આહિર સાથેના હોય, આજે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં પોલીસે આઠ અને એસઆઈટીએ છ શખ્સની ધરપકડ કરતા બગદાણા વિવાદમાં આરોપીઓની સંખ્યા ૧૪ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ તપાસમાં અગાઉ કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પરંતુ તપાસની દિશા ધૂંધળી રહેતા કોળી સમાજના ધારાસભ્યો-સાંસદ સભ્યોએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કર્યાં બાદ તુરંત જ રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરી દીધી હતી.

એસઆઈટીએ ધીમી ગતિથી તપાસ શરૂ કરી બનાવમાં ઝડપાયેલા આઠેય આરોપીના ફર્ધર રિમાન્ડ મેળવી અલગ-અલગ સમયે વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ એસઆઈટીએ જયરાજ આહિર અને નવનીતભાઈના કોમન મિત્રો, મહુવા ભાજપ શહેરના ઉપપ્રમુખના પણ નિવેદનો નોંધ્યા હતા. ઉપરાંત નવનીતભાઈ બાલધિયાએ પણ એસઆઈટી સમક્ષ ૧૫ જેટલા પુરાવા આપતા અંતે ગત તા.૨૧-૦૧ના રોજ જયરાજ આહિરને પ્રથમ સમન્સ પાઠવી નિવેદન નોંધાવવા માટે બોલાવી સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા મુક્ત કર્યો હતો. આ કેસમાં પોલીસ હવે જયરાજ આહિરના રિમાન્ડ માંગી આગળની કાર્યવાહી હાથ ધરશે.

તપાસમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીના એંધાણ

બગદાણા પ્રકરણમાં દારૂ અને માટીના ધંધાની બાતમી આપ્યાની અદાવતે નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો થયો હોવાના અને માયાભાઈ આહિરના પુત્રનો કોઈ રોલ ન હોવાના પોલીસના લૂંલા બચાવની વિપરિત એસઆઈટીને જયરાજ આહિર સામે પુરાવા મળ્યાં છે. જેથી તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીના પણ એંધાણ મળી રહ્યા છે. રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, આ આંતરિક તપાસનો વિષય છે. આ મુદ્દે એસપીનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે કાર્યવાહી થશે

બગદાણા પ્રકરણમાં ૨૦ દિવસ બાદ એસઆઈટીનું આજે મૌન તૂટયું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ખૂબ વાયરલ થતી હતી. જે મામલે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, એસઆઈટી તપાસના તથ્યો જોઈ રહી હતી. સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ પર સ્થાનિક પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે. લોકોને અપીલ છે કે, સોશિયલ મીડિયાનો આવો ગેરઉપયોગ ન કરે.



Source link

Related Articles

Back to top button