નડિયાદમાં પત્ની પર વહેમ રાખી મારઝુડ કરી આરટીઓ અધિકારી પતિએ ધમકી આપી | RTO officer husband threatens wife after beating her up in Nadiad

![]()
પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
શખ્સે સાંસરીમા જઈને સાસુને પણ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી, શખ્સ સામે કાર્યવાહી
નડિયાદ: નડિયાદ પશ્ચિમમાં રહેતી પત્નીને આરટીઓમાં નોકરી કરતા પતિએ ખોટો વહેમ રાખી મારઝુડ કરી છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સૌજન્ય પાર્ક સોસાયટીમાં રહેતા નિશિતાબેન મેહુલભાઈ રાજનાથના લગ્ન આજથી ૧૬ વર્ષ પહેલા મેહુલ રાજનાથ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક દિકરાનો જન્મ થયો હતો. નીશીતાબેન સેન્ટ મેરી હાઇ સ્કૂલમાં લાઈબ્રેરીયન તરીકે નોકરી કરે છે, જ્યારે તેમનો પતિ મેહુલ રાજનાથ આરટીઓ અધિકારી તરીકે નોકરી કરે છે. જેઓ હાલ વડોદરા નોકરી કરતા હોવાથી ૮,૧૦ દિવસે ઘરે આવે છે. લગ્નના એક વર્ષ બાદ પતિ ઘરે આવે ત્યારે અવારનવાર નજીવી બાબતે ઝઘડો કરી મારઝુડ કરતા હતા. તેમજ છેલ્લા છ મહિનાથી પત્ની ઓફિસના કામથી કોઈની જોડે ફોન કરે તો કોને ફોન કરે છે તેમ કહી ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. તા.૧૯મીએ સ્ટાફમાં બર્થ ડે ની ઉજવણી હોય નિશિતા બેન દિકરાને લઇ બર્થ ડે ની ઉજવણીમાં ગયા હતા. આ દરમિયાન પતિ ઘરે આવવાના હોવાનો ફોન આવતા તેઓ રાત્રે ૯ વાગે ઘરે ગયા હતા. ત્યારે પતિ કેમ મોડી આવી તેમ કહી લાફા મારી તેમજ છરીના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ નડિયાદ પવન ચક્કી વિસ્તારમાં સાસરીમાં જઈ સાસુને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નીશીતાબેન મેહુલભાઈ રાજનાથની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે મેહુલ અરવિંદભાઈ રાજનાથ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



