गुजरात

સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ | Surendranagar: Law and Order Situation Turns Volatile After Police Villager Confrontation



Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે23મી જાન્યુઆરીની મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતી ઘટના સામે આવી છે. ગામમાં ચાલતા દારૂના વેચાણ અંગેની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે દસાડા પી.આઈ. એ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શું છે સમગ્ર વિવાદ?

વાલેવડા ગામમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ હતો. મોડી રાત્રે જ્યારે ગ્રામજનો અને મહિલાઓ આ અંગે પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે મામલો બિચક્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પોલીસ બુટલેગરો પર કાર્યવાહી કરવાને બદલે રજૂઆત કરનારાઓ પર જ ઉશ્કેરાઈ ગઈ હતી. આ ઝપાઝપીમાં મહિલાઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટ થઈ હોવાનો પણ આક્ષેપ છે, જેમાં એક મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ છે.

આ પણ વાંચો: ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે

પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો

ગ્રામજનોનો દાવો છે કે દસાડા પી.આઈ. વાય.બી. ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર હવામાં અધ્ધર કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી દોષિત પોલીસ અધિકારીઓ અને બુટલેગરો સામે FIR દાખલ નહીં થાય, ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

દસાડા પી.આઈ. વાય.બી. ઉપાધ્યાયે તમામ આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, ‘પોલીસ ટીમ બુટલેગરને પકડવા ગઈ હતી, ત્યારે ટોળાએ મહિલાઓ અને બાળકોને આગળ કરી બુટલેગરને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરજમાં રુકાવટ કરનાર ટોળા સામે વળતી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.’

રાજકારણ ગરમાયું: નૌશાદ સોલંકી મેદાને

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને રાજકારણ પણ ગરમાયું છે. દસાડા-લખતરના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી તાત્કાલિક વાલેવડા દોડી ગયા હતા. તેમણે ગ્રામજનોની મુલાકાત લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.

હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોમાં પોલીસ પ્રત્યેનો આક્રોશ યથાવત છે.



Source link

Related Articles

Back to top button