સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના: કઠોર પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીનું કરુણ મોત | Surat Bullet Train Bridge Work Mishap in Tapi River Fisherman Father Son Die

![]()
Surat News: સુરતના કઠોર ગામ નજીકથી પસાર થતી તાપી નદી પર નિર્માણધીન બુલેટ ટ્રેન બ્રિજના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ નીચે પડતા, નદીમાં માછીમારી કરી રહેલા પિતા- પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ
મળતી માહિતી મુજબ, કઠોર ગામ પાસે તાપી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન લોખંડની એક ભારે પ્લેટ અચાનક નીચે પડી હતી. આ દરમિયાન 35 વર્ષીય મોહસીન શેખ અને તેના નવ વર્ષીય પુત્ર હુમા મોહસીન શેખ નીચે નદીમાં માછીમારી કરી રહ્યા હતા. પ્લેટ સીધી તેના પર પડતા બંને દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ સુરતની ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આટલા મોટા નેશનલ પ્રોજેક્ટમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. પોલીસે ગુનો નોંધી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.



