गुजरात

બીસીએને રાહત ચેક બાઉન્સ કેસમાં આરોપીની નિર્દોષતા સામે અપીલનો માર્ગ ખુલ્લો : 233 દિવસની વિલંબ માફી અરજી મંજૂર | BCA opens appeal against accused’s innocence in relief cheque bounce case



Vadodara : વડોદરાની 11મી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની તરફેણમાં મહત્વનો હુકમ આપવામાં આવ્યો છે. ચેક બાઉન્સ સંબંધિત કેસમાં ટ્રાયલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરેલા ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં થયેલા 233 દિવસના વિલંબને સેશન્સ અદાલતે માફ કર્યો છે.

આ કેસમાં બરોડા ક્રિકેટ એસોસિએશન મૂળ ફરિયાદી હતી. ટ્રાયલ કોર્ટે તા.25-10-2024ના રોજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ગુનામાં આરોપી અરવિંદકુમાર દ્વારકાદાસ જાનીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ચુકાદા સામે BCAએ સમયમર્યાદામાં ગુજરાત હાઈકોર્ટમાં લીવ ટુ અપીલ અરજી દાખલ કરી હતી.

દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા મહત્વના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે ચેક બાઉન્સ કેસમાં નિર્દોષતા સામેની અપીલ સેશન્સ કોર્ટમાં કરવી જરૂરી છે. આ કાનૂની સ્પષ્ટતા બાદ BCAએ હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી સેશન્સ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ અપનાવ્યો, જેના કારણે વિલંબ થયો હતો. 

BCA તરફથી દલીલ કરવામાં આવી હતી કે હાઈકોર્ટમાં કાર્યવાહી સારા વિશ્વાસ અને યોગ્ય કાળજી સાથે કરવામાં આવી હતી, તેથી તે સમયગાળો લિમિટેશન એક્ટની કલમ 14 મુજબ ગણતરીમાંથી બહાર રાખવો જોઈએ.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે નોંધ્યું હતું કે અરજદારે કોઈ બેદરકારી દાખવી નથી અને કાનૂની સ્થિતિમાં બાદમાં થયેલા ફેરફારને કારણે ખોટા ફોરમમાં કાર્યવાહી કરવી પડી હતી. અદાલતે જણાવ્યું હતું કે ન્યાયિક હિતમાં વિલંબ માફ કરવો યોગ્ય છે અને માત્ર ટેકનિકલ કારણોસર અપીલનો હક નકારવો યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ 2007માં તત્કાલીન સત્ત્તાધીશો દ્વારા સાંકરદા ખાતે આવેલી સાંકરદા સહકારી મંડળીની આશરે 162 વીઘા જમીન ખરીદવા માટે કરાર કરવામાં આવ્યો હતો. જેમા બ્રોકર તરીકે સાંકરદાના અરવિંદ જાનીએ ભૂમિકા નિભાવી હતી. કરાર એ રીતે થયા હતા કે જમીનની કુલ કિંમત 8.22 કરોડ પૈકી રૂ.4.11 કરોડ એડવાન્સ ચુકવવાના અને જમીનના દસ્તાવેજ વખતે બાકીના રૂ.4.11 કરોડ ચુકવવાના. બીસીએ એડવાન્સ રૂ.4.11 કરોડની ચુકવણી અરવિંદ જાનીને કરી દીધી હતી તેમ છતાં વર્ષ 2013 સુધી જમીનના દસ્તાવેજો થઇ શક્યા નહી અને અરવિંદ જાનીએ બીસીએને કહી દીધું કે મંડળી ફડચામાં ગઇ હોવાથી બીસીએને તે જમીન મળશે નહી. બીસીએ દ્વારા અરવિંદ જાની પાસે રૂ.4.11 કરોડ ઉપરાંત વ્યાજ સાથે ચુકવણી કરવાનું કહેવાતા જે તે સમયે અરવિંદ જાની દ્વારા રૂ.8.11 કરોડની રકમનો ચેક આપવામાં આવ્યો હતો જે બેન્કમાંથી પરત ફર્યો હતો. એટલે બીસીએ દ્વારા ચેક રિટર્નનો કેસ અરવિંદ જાની સામે કર્યો હતો.



Source link

Related Articles

Back to top button