નર્મદા જયંતી પૂર્વે માં રેવા ‘જળવિહોણી’: શું ભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે? પાણી છોડવા સાધુ-સંતોની ઉગ્ર માંગ | Narmada Jayanti Nears but Riverbed Dry Devotees Concerned as Water Level Drops

![]()
Narmada River: આગામી 25મી જાન્યુઆરીએ નર્મદા જયંતીનો પવિત્ર મહોત્સવ છે, પરંતુ તે પૂર્વે જ નર્મદા નદીની સ્થિતિ જોઈને શ્રદ્ધાળુઓ અને પરિક્રમાવાસીઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ગરુડેશ્વરથી લઈને પોઈચા સુધી નર્મદા નદીમાં પાણીના સ્તર અત્યંત નીચે જતા નદી હાલ ‘પથરાળ વિસ્તાર’ સમાન ભાસી રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા નર્મદા જિલ્લા સંત સમિતિએ પ્રશાસન પાસે તુરંત પાણી છોડવાની માંગ કરી છે.
‘દર્શન માત્રથી પવિત્ર કરતી નદી આજે પોતે જ તરસ્યા જેવી’
નર્મદા સંત સમિતિના મંત્રી અને જાણીતા પરિક્રમાવાસી સદાનંદ મહારાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગામાં સ્નાન અને યમુનાના પાનથી જે પુણ્ય મળે છે, તે નર્મદાજીના માત્ર દર્શનથી પ્રાપ્ત થાય છે. વિશ્વની આ એકમાત્ર નદી છે જેની પરિક્રમા થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે હજુ ઉનાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં માં નર્મદાનું આ સ્વરૂપ ભક્તોની લાગણી દુભાવી રહ્યું છે. નર્મદા જયંતીના પવિત્ર દિવસે જો નર્મદા મૈયામાં પાણી જ નહીં હોય તો ભક્તો ક્યાં સ્નાન કરશે? પ્રશાસનને અમારી વિનંતી છે કે આસ્થાનો આદર કરી ડેમમાંથી પાણી છોડવામાં આવે.’
નર્મદા જયંતીએ સ્નાન માટે પાણીની તાતી જરૂરિયાત
25મી જાન્યુઆરીના રોજ નર્મદા જયંતીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ નદીમાં આસ્થાની ડૂબકી લગાવવા આવતા હોય છે. ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધીના પટમાં પાણી સુકાઈ જવાથી પવિત્ર સ્નાન કરવું પણ મુશ્કેલ બન્યું છે. સંતોની માંગ છે કે, ‘નર્મદા જયંતીની પૂર્વ સંધ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે. નદીના વહેણને જીવંત રાખવામાં આવે જેથી પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા આરે અને ઘાટ પર ભક્તો વિધિવત પૂજા-અર્ચના કરી શકે તેટલું જળસ્તર જાળવવામાં આવે.’
સંતોની પ્રશાસનને અપીલ
સદાનંદ મહારાજ અને અન્ય સાધુ-સંતોએ રાજ્ય સરકાર અને નર્મદા નિગમ પ્રશાસનને ભાવુક અપીલ કરી છે કે, કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન નર્મદા જયંતીના ઉત્સવમાં ભંગ ન પડે તે માટે ત્વરિત નિર્ણય લેવામાં આવે. જો સમયસર પાણી છોડવામાં નહીં આવે તો ભક્તોમાં ભારે અસંતોષ ફેલાવાની શક્યતા છે.



