गुजरात

બગદાણા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, બે કલાકની પૂછપરછ બાદ SITની કાર્યવાહી | Bagdana Attack Case: Jayraj Ahir Appears Again Before SIT Questioned at IG Office



Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની બે કલાકની સઘન પૂછપરછ બાદ આખરે આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

SIT ની કડક કાર્યવાહી: IG કચેરી છાવણીમાં ફેરવાઈ

સમન્સને પગલે જયરાજ આહીર આજે (24 જાન્યુઆરી) ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો હતો. SIT ના અધિકારીઓએ તેની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાની કડીઓ અને અગાઉ પકડાયેલા આરોપીઓની કબૂલાતના આધારે જયરાજની સંડોવણીના પૂરતા પુરાવા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત કાફલો તહેનાત કરી દેવાયો હતો.

ધરપકડ પહેલા જયરાજે માધ્યમોને જણાવ્યું હતું કે, “મને ન્યાયતંત્ર અને કાયદા પર પૂરો ભરોસો છે. હું તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ.”

આ પણ વાંચો: ગુજરાતમાં SIR મુદ્દે રાજકીય ‘ગજગ્રાહ’: 2002માં નામ ઉમેરવાનો ટ્રેન્ડ, તો અત્યારે ‘નામ કમી’ની બબાલ! RTIના ચોંકાવનારા આંકડા

અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓ ઝડપાયા

બગદાણા હુમલા કેસમાં SIT અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે. જેમાં મુખ્યત્વે:

નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર.

સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર.

કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોંલંકી.

નવી ધરપકડ: જયરાજ આહીર સાથે આજે ઉત્તમ ભરતભાઇ બાંભણીયા અને અજય ઉર્ફે મોટો ભાલીયાની પણ ધરપકડ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર વિવાદ?

આ લોહિયાળ હુમલાના પાયામાં મુંબઈમાં યોજાયેલો માયાભાઈ આહીરનો એક ડાયરો હતો.

નિવેદન: ડાયરામાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે સંબોધ્યા હતા.

સ્પષ્ટતા: નવનીત બાલધિયાએ ફોન કરીને આ વાતનું ખંડન કર્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ નથી.

હુમલો: માયાભાઈએ માફી માંગી હોવા છતાં, 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો.

બાલધિયાનો આક્ષેપ છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ નહોતી પડી અને તેના જ ઈશારે આ ષડયંત્ર રચાયું હતું.

કોળી સમાજમાં આક્રોશ અને SIT ની રચના

આ હુમલા બાદ ભાવનગર સહિત રાજ્યભરના કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ન્યાયની માંગ સાથે આત્મવિલોપન અને વિરોધ પ્રદર્શનો થયા હતા, જેને પગલે રાજ્ય સરકારે IPS અધિકારીના નેતૃત્વમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. હવે જયરાજ આહીરની ધરપકડ બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.



Source link

Related Articles

Back to top button