રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજૂ બારોટને આવતીકાલે અપાશે અંતિમ વિદાય, જાણો ક્યાં અને કેટલા વાગ્યે યોજાશે અંતિમ વિધિ | Gujarati Theatre Stalwart Raju Barot to Be Laid to Rest Tomorrow in Ahmedabad

![]()
Raju Barot Passes Away: ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અને દિગ્દર્શક રાજૂ બારોટના નિધનને પગલે સમગ્ર કલા જગત શોકમાં ગરકાવ છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા રાજૂ બારોટનું ગઈકાલે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે અને રવિવારે (25મી જાન્યુઆરી) તેમની અંતિમ વિધિ થશે. તેમના નિધનના સમાચારથી ગુજરાતના કલાકારો અને સાહિત્ય જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
આવતીકાલે સવારે અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર
પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજૂ બારોટના નશ્વર દેહને અંતિમ દર્શન માટે આવતીકાલે રવિવારે (25 જાન્યુઆરી) તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે.
અંતિમ દર્શનનું સ્થળ: ‘જલસાઘર’, 45/2 બીમાનગર, આંબાવાડી, અમદાવાદ.
અંતિમ સંસ્કાર: સવારે 10:00 કલાકે, થલતેજ સ્મશાન ગૃહ ખાતે.
NSDથી ગુજરાતની ધરા સુધી: રંગભૂમિનું અતૂટ સમર્પણ
વર્ષ 1977માં દેશની સર્વોચ્ચ નાટ્ય સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માંથી સ્નાતક થયા બાદ રાજૂ બારોટ પાસે ફિલ્મો અને રાષ્ટ્રીય સ્તરે કારકિર્દી બનાવવાની અનેક તકો હતી. પરંતુ, તેમણે મુંબઈ કે દિલ્હી જવાને બદલે ગુજરાતમાં રહીને ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવાનો કઠિન માર્ગ પસંદ કર્યો.
ગુજરાતી નાટ્યકલાનો એક યુગ પૂરો થયો
NSDના સ્નાતક હોવા છતાં ગુજરાતી ભાષા અને રંગભૂમિને સમર્પિત રહેલા રાજૂ બારોટે કલાને માત્ર વ્યવસાય નહીં પણ સાધના માની હતી. ‘સોક્રેટિસ’, ‘પરીત્રાણ’ અને ‘માનવીની ભવાઈ’ જેવા યાદગાર નાટકો દ્વારા તેમણે ગુજરાતી રંગભૂમિને વૈશ્વિક ઓળખ અપાવી હતી. ગૌરવ પુરસ્કાર વિજેતા આ કલાકારના અંતિમ દર્શન માટે આવતીકાલે મોટી સંખ્યામાં નાટ્ય પ્રેમીઓ અને શિષ્યો ઉમટી પડશે.
યાદગાર અભિનય: ‘માનવીની ભવાઈ’, ‘જસમા ઓડન’, ‘તુઘલક’ અને ‘લૈલા-મજનૂ’.
શ્રેષ્ઠ દિગ્દર્શન: મનુભાઈ પંચોલીની નવલકથા પર આધારિત ‘સોક્રેટિસ’, ‘કૈકેયી’, ‘પરીત્રાણ’, ‘સૈયા ભયે કોતવાલ’ અને ‘ડુંગરો ડોલ્યો’.
એવોર્ડ અને સન્માન
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના નાટ્ય વિભાગના તેજસ્વી છાત્ર એવા રાજૂ બારોટને તેમની કલા પ્રત્યેની નિષ્ઠા માટે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત ‘ગૌરવ પુરસ્કાર’. NSD દ્વારા અપાતો ગૌરવશાળી ‘બી.વી. કારંત એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. તે માત્ર એક અભિનેતા કે દિગ્દર્શક જ નહીં, પણ સેંકડો યુવા કલાકારો માટે ‘નાટ્ય ગુરુ’ અને માર્ગદર્શક હતા.
ગુજરાતી રંગભૂમિએ એક એવો સાધક ગુમાવ્યો છે જેમણે લોકપ્રિયતા કરતા કલાના મૂલ્યોને વધુ મહત્વ આપ્યું હતું. માં રેવા અને નાટ્ય કલાના આ અનન્ય ઉપાસકને કલા જગત ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે.



