गुजरात

ધુળેટીના દિવસે સામાન્ય ઝઘડો ભારે પડ્યો : ગોત્રીમાં મારામારીના કેસમાં દંપતી અને પુત્રીને એક વર્ષની કેદની સજા | Couple and daughter sentenced to one year in prison in a fight case in Gotri



Vadodara Court : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષ 2020 દરમિયાન ધુળેટીના દિવસે અગાઉની તકરારો વચ્ચે સામાન્ય બાબતમાં થયેલી મારામારીના ગુનામાં અદાલતે દંપતી તથા તેમની પુત્રીને કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

વર્ષ 2020માં આરોપીઓએ રસ્તા પરના ખાડામાં ભરાયેલું કાદવવાળું પાણી પગથી ઉછાળતાં તે પાણી ફરિયાદીની ગાડી પર પડ્યું હતું. આ બાબતે ફરિયાદીએ વાંધો ઉઠાવતા આરોપીઓએ ગાડીને લાત મારી અને ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલી મારામારી કરી હતી. આ ઘટનામાં ફરિયાદી તથા તેની પત્નીને ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી.

આ મામલે ગોત્રી પોલીસે આરોપી મુકુંદ ખોન્ડે, મંજુલા મુકુંદ ખોન્ડે અને શ્વેતા મુકુંદ ખોન્ડે (તમામ રહે. પૂજા ટેનામેન્ટ, ગોકુળ પાર્ટી પ્લોટ, ગોત્રી, વડોદરા)ની ધરપકડ કરી હતી.

ગઈકાલે 10મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ.આર. આહુજાની કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની તથા પુરાવાની વિગતવાર ચકાસણી બાદ અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદી અને સાક્ષીઓએ બનાવ, બનાવની તારીખ, સમય, સ્થળ તેમજ આરોપીઓની ઘટનાસ્થળે હાજરી ફરિયાદ મુજબ નિશંકપણે પુરવાર કરી છે અને આરોપીઓને ઓળખી બતાવ્યા છે.

અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ સામે હળવું વલણ દાખવવામાં આવે તો સમાજમાં ખરાબ સંદેશો જશે અને વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પ્રોત્સાહન મળવાની સંભાવના નકારી શકાય નહીં. આથી આરોપીઓને પ્રોબેશનનો લાભ આપવો ન્યાયોચિત નથી તેમ કહી અદાલતે તેમના જામીન રદ કરી આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે.



Source link

Related Articles

Back to top button