અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી શેઢી નહેરમાં ઠાસરા પાસે મોટું ગાબડું | A large gap near Thasra in the Shedhi Canal which supplies drinking water to Ahmedabad

![]()
– સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં
– નહેર અમદાવાદના રાસ્કા વિયર સુધી પીવાનું પાણી પહોંચાડે છે, સમારકામની કામગીરી ચાલું
ઠાસરા : ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના ડાભસર ગામના આડબંધથી નીકળી અમદાવાદ શહેરને પીવાનું પાણી પહોંચાડતી ‘શેઢી શાખા નહેર’માં મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ઠાસરા નગરના સુપ્રસિદ્ધ મહાકાળી મંદિર પાસેથી પસાર થતી સબ માઇનોર નંબર ૩ પાસે ગત રાત્રે આર.સી.સી.ની દીવાલમાં ભૂવારું પડયા બાદ આજે સવારે પરિસ્થિતિ ગંભીર બની હતી.
ગત રાત્રે નહેરની આર.સી.સી. દીવાલમાં ૨ થી ૩ ફૂટનું ભૂવારું પડયું હતું. જોકે, વહેલી સવારે આ ભૂવારું મોટા ગાબડામાં ફેરવાઈ ગયું હતું, જે આશરે ૧૫ ફૂટ ઊંચું અને ૫ ફૂટ પહોળું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, રાત્રિ દરમિયાન નહેરમાંથી લીક થયેલું પાણી સબ માઇનોરમાં વહી ગયું હોવાથી આસપાસના ખેતરોમાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
આ નહેર અમદાવાદ નગરના રાસ્કા વિયર સુધી પીવાનું પાણી પહોંચાડે છે. ગાબડું પડતા જ તાત્કાલિક અસરથી ડાભસર મુખ્ય આડબંધ ખાતેથી પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે અમદાવાદ તરફ જતો પીવાના પાણીનો પુરવઠો હાલ ખોરવાયો છે. ઘટનાની જાણ થતા જ સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અત્યારે ગાબડામાં આર.સી.સી. ભરવાનું અને તેને પૂરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
શેઢી શાખા નહેરના ડાકોર ખાતેના સેક્શન ઓફિસર આર. સી. શાહનો રૂબરૂ સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ શેઢી શાખામાં બારેમાસ અમદાવાદને પીવાના પાણીનો પુરવઠો આપવાનો હોય છે, એટલે આ શાખાનું રીપેરીંગ કામ થઇ શકતું નથી અને પાણીનો પુરવઠો બંધ રાખી શકાતો નથી. આ ભુવારાને રિપેરિંગ કામ બાર કલાકમાં પૂરું કરીને પાણી ચાલુ કરી દેવાનો આદેશ કર્યો છે. હાલ સમારકામ ચાલું છે.


