दुनिया

અમેરિકાનું સ્ટ્રાઇક ગ્રુપ ઇરાન પર હુમલા માટે સજ્જ, ઇરાન નજીક પહોંચ્યું | US strike group ready to attack Iran approaches Iran



– 18 યુદ્ધ વિમાનો સાથે અબ્રાહમ લિંકન ગ્રુપ હાલ હિન્દ મહાસાગરમાં 

– ટ્રમ્પના દબાણને કારણે 800 આંદોલનકારીઓની ફાંસીની સજાને નથી અટકાવી, અમેરિકી પ્રમુખ ખોટું બોલે છે : ઇરાન

દુબઇ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાનમાં ખામેનેઇ સરકાર સામે આંદોલન કરી રહેલા પૈકી ૮૦૦થી વધુ લોકોને સામૂહિક ફાંસી આપવાના હતા, જોકે મારા દબાણને કારણે આ ફાંસી અટકી ગઇ છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ઇરાને જુઠો ગણાવ્યો હતો, સાથે જ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના દબાણને કારણે કોઇ પણ ફાંસી અટકાવવામાં નથી આવી. બીજી તરફ અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની શક્યતાઓ વધી રહી છે. ઇરાન સરકારે બળપ્રયોગ કરીને આંદોલન રોકવા પ્રયાસ કર્યો હતો, જેને પગલે પાંચ હજારથી વધુ લોકો માર્યા ગયા હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. આશરે ૩૦ હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એવામાં અમેરિકન નેવી યુદ્ધ જહાજો સાથે ઇરાન તરફ આગળ વધી રહી છે. અમેરિકન નેવીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાનું લિન્કન સ્ટ્રાઇક ગ્રુપ હાલ હિન્દ મહાસાગરમાં છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે એ દીશા (ઇરાન) તરફ અમારા સૈનિકો આગળ વધી રહ્યા છે. 

અમેરિકાનું આ હુમલા માટે તૈયાર કરેલુ ગ્રુપ અત્યાર સુધી દક્ષિણ ચીન સમુદ્રમાં હતું, હાલ તે હિન્દ મહાસાગરમાં પહોંચી ગયું છે. અને પ્રતિ કલાક ૨૦ સમુદ્રી માઇલની ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે આ સ્ટ્રાઇક ગ્રુપે પોતાના લોકેશનને છૂપાવવા માટે ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમને બંધ કરી દીધી છે. આ સ્ટ્રાઇક ગ્રુપમાં ૧૮ યુદ્ધ વિમાન તૈનાત છે, જેની રિફ્યૂલિંગ વગર જ ૨૩૦૦ કિમી દૂર સુધી લક્ષ્ય પર હુમલો કરવાની ક્ષમતા છે. એટલુ જ નહીં આ લિંકન કેરિયર સ્ટ્રાઇક ગ્રુપમાં ઓહિયો ક્લાસ સબમરીન પણ સામેલ છે. હવે અમેરિકા ગમે ત્યારે ઇરાન પર હુમલો કરી શકે છે. બીજી તરફ ઇરાને શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કર્યો હતો, શુક્રવારે ઇરાનના રિવલ્યૂશનરી ગાર્ડના વાર્ષિક કાર્યક્રમ ધ ડે ઓફ ગાર્જિયનની ઉજવણી કરાઇ હતી. 

આ દિવસની ઉજવણી માટે ઇરાનની ચેનલો પર ધાર્મિક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ઇરાનિયન સૈન્યના શાહીદ ડ્રોન શરૂ કરાયા હતા, કેટલાક એવા ડ્રોન પણ છે કે જેેનો રશિયા દ્વારા યુક્રેન સાથે યુદ્ધમાં ઉપયોગ કરાયો હતો. એટલુ જ નહીં ઇરાનના સરકારી ટીવી ચેનલ પરથી ઇઝરાયેલ પર ડ્રોન હુમલાની ચેતવણી પણ આપવામાં આવી છે. જેમાં એક ઇરાની અધિકારી કહી રહ્યો છે કે ઇઝરાયેલે વિચાર્યુ પણ નહીં હોય એટલા નજીક અમે પહોંચી ગયા છીએ.  આ પરિસ્થિતિ વચ્ચે ઇરાનમાં આંદોલનનો મુદ્દો સળગેલો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મે ૮૦૦થી વધુ લોકોની સામૂહિક ફાંસી અટકાવી છે. જ્યારે ઇરાનના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે ઇરાનમાં ૮૦૦ લોકોને ફાંસીનો કોઇ પણ કોર્ટે નિર્ણય નથી લીધો. કેટલાક ધરપકડ કરાયેલા લોકો પર મૃત્યુદંડની સજાનો આરોપ જરૂર લગાવાયો છે. 



Source link

Related Articles

Back to top button