गुजरात

સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due to torture by Upsarpanch



– પોલીસ ફરિયાદ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

– ઉપસરપંચે યુવકને ઢોર માર મારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી  : 10 દિવસની સારવાર બાદ દમ તોડયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના સાંકળી ગામે ઉપસરપંચના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ૨૫ વર્ષીય યુવક જયેશ મેણીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ૧૦ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ યુવકે દમ તોડયો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ, એક યુવતી સાથે ફોન પર વાતચીત બાબતે થયેલા વિવાદમાં ઉપસરપંચે યુવકને ઢોર માર મારી અપમાનિત કર્યો હતો.

પરિવારના જણાવ્યા અનુસાર, સાંકળી ગામના ઉપસરપંચ રાજુ કાળુ ખાચર દ્વારા જયેશને ઉઠાવી જઈને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મારપીટનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાથી ક્ષોભ અનુભવતા અને સતત મળતી ધમકીઓથી ડરી ગયેલા જયેશે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યોે હતો. તેને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના બાદ વઢવાણ પોલીસ દ્વારા માત્ર અરજી લઈને સંતોષ મનાતા પરિવારમાં રોષ ફેલાયો હતો. યુવકના મોત બાદ પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. મામલો ગરમાતા એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કલાકોની સમજાવટ અને ઉપસરપંચ વિરુદ્ધ વિધિવત ગુનો દાખલ કર્યા બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. હાલમાં ફરાર ઉપસરપંચને ઝડપી પાડવા એલસીબી અને એસઓજી સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button