શહેરમાં હૃદયને લગતી ઈમરજન્સીના કિસ્સાઓમાં બે વર્ષમાં ૪૧ ટકાનો વધારો | cases of heart attack increase in vadodara

![]()
વડોદરાઃ વડોદરામાં બુધવારે એક વ્યવસાયીને કાર ચલાવતી વખતે જ એટેક આવી જતા તેમનું મોત થયું છે.આ ઘટનાએ ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ સામે ફરી એક વખત લાલ બત્તી ધરી છે.વડોદરામાં પણ અન્ય શહેરની જેમ હાર્ટ એટેકના મામલામાં વધારો થયો છે.
૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં શહેરમાં હૃદયને લગતી ઈમરજન્સીના કોલમાં ૪૧ ટકાનો વધારો નોંધાયો છે.૨૦૨૩માં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને હાર્ટ ઈમરજન્સીના ૩૬૧૭ અને તાજેતરમાં પૂરા થયેલા ૨૦૨૫માં ૫૧૩૫ કોલ મળ્યા હતા.આમ અત્યારે વડોદરામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા રોજ ૧૪ કોલ તો ખાલી હાર્ટ ઈમરજન્સીના જ એટેન્ડ કરી રહી છે.આખા ગુજરાતની વાત કરવામાં આવે તો ૨૦૨૫માં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને ૯૬,૭૮૯ કોલ મળ્યા હતા.જે ૨૦૨૪ના વર્ષની સરખામણીએ ૧૨ ટકા વધારે હતા.
જાણકારનું કહેવું છે કે, આ કોલ્સ માત્ર ૧૦૮ એમ્બ્યુલ્સ સેવાના છે.ખાનગી એમ્બ્યુલન્સો કે બીજા વાહનો મારફતે હૃદયરોગને લગતી ઈમરજન્સીના મામલામાં સરકારી કે ખાનગી દવાખાને પહોંચાનારા બીજા દર્દીઓની સંખ્યા તો અલગ હશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતમાં ૨.૯૭ લાખ લોકોના હાર્ટ એટેક કે હૃદયને લગતી બીજી બીમારીઓથી મોત થયા છે.
છેલ્લા ત્રણ વર્ષના હાર્ટ ઈમરજન્સીના કેસ
વર્ષ સંખ્યા
૨૦૨૩ ૩૬૧૭
૨૦૨૪ ૪૩૨૯
૨૦૨૫ ૫૧૩૫
હૃદયરોગના ૧૫ થી ૨૦ ટકા દર્દીઓ ૪૦ વર્ષથી નીચેના
પહેલા ૪૦ વર્ષથી ઓછી વયમાં હાર્ટ એટેક આવે તેવું વિચારી પણ નહોતું શકાતું
સયાજી હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના હેડ ડો.રુપલ દોશી કહે છે કે, ૪૦ વર્ષથી ઓછી વયના વ્યક્તિને હાર્ટ એટેક આવે તેવું ૩૦ વર્ષ પહેલા વિચારી શકાતું નહોતું.આજે અમારી પાસે હાર્ટને લગતી બીમારીઓના જે કેસ આવે છે તેમાં ૧૫ થી ૨૦ ટકા દર્દીઓ ૪૦ વર્ષથી ઓછી વયના હોય છે તેવું કહી શકાય.હાર્ટ એટેકના વધતા જતા કેસો પાછળનું મુખ્ય કારણ ત્રણ થી ચાર દાયકા પહેલાની લાઈફ સ્ટાઈલ અને આજની લાઈફ સ્ટાઈલનો તફાવત છે.બેઠાડુ જીવન, મેદસ્વીતા, ખાન-પાનની શૈલીમાં બદલાવ, સ્મોકિંગની આદત, ડાયાબિટિસ અને હાયપર ટેન્શનમાં વધારાના કારણે હાર્ટ એટેકના કેસ પણ વધ્યા છે.માતા- પિતાને હૃદયને લગતી બીમારી હોય તો સંતાનોને પણ તે થવાની શક્યતા રહેતી હોય છે.હાર્ટ એટેકથી બચવા માટે ટેસ્ટ કરાવવાની સાથે સાથે લાઈફ સ્ટાઈલ બદલવાની પણ એટલી જ જરુર છે.



