ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot renowned Gujarati art and theatre artist passes away age of 76

![]()
Raju Barot Passes Away: ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે હતા ત્યારે આ દુઃખદ ઘટના બની છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ ગુજરાતી કલા અને નાટ્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રંગભૂમિ પ્રત્યેનું અતૂટ સમર્પણ
વર્ષ 1977માં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માંથી સ્નાતક થયેલા રાજૂ બારોટે રાષ્ટ્રીય સ્તરે કારકિર્દી બનાવવાને બદલે ગુજરાતની ધરા પર નાટ્યકલાને જીવંત રાખવાનું પસંદ કર્યું. ફિલ્મોની અનેક આકર્ષક ઓફરો હોવા છતાં, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાતી રંગભૂમિના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું.
એક આદર્શ દિગ્દર્શક અને ગુરુ
તેઓ માત્ર અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ ગાયક અને દિગ્દર્શક પણ હતા. મનુભાઈ પંચોલીની નવલકથા પર આધારિત ‘સોક્રેટિસ’ જેવા કઠિન નાટકનું મંચન કરવાનું સાહસ તેમણે કરી બતાવ્યું હતું. તેમના યાદગાર નાટકોમાં ‘કૈકેયી’, ‘પરીત્રાણ’, ‘સૈયા ભયે કોતવાલ’ અને ‘ડુંગરો ડોલ્યો’ જેવા અનેક નાટકોમાં તેમણે દિગ્દર્શનની છાપ છોડી છે. તેમજ’માનવીની ભવાઈ’, ‘જસમા ઓડન’, ‘તુઘલક’ અને ‘લૈલા-મજનૂ’ જેવા નાટકોમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.
ગૌરવ પુરસ્કારથી સન્માનિત હતા
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી નાટ્ય ડિપ્લોમા મેળવનાર રાજૂ બારોટને તેમની સેવા બદલ ગુજરાત સરકારનો ‘ગૌરવ પુરસ્કાર’ અને NSD( નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા )નો પ્રતિષ્ઠિત ‘બી.વી. કારંત એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતના ઘણા યુવા કલાકારો તેમને પોતાના ‘નાટ્ય ગુરુ’ માને છે.
નશ્વર દેહને અમદાવાદ લવાશે
મળતી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને આવતીકાલે સાંજ સુધીમાં ઉત્તરાખંડથી અમદાવાદ લાવવામાં આવશે, પરિવારજનો, કલા પ્રેમીઓ અને તેમના પ્રશંસકો તેમને ભારે હૈયે અંતિમ વિદાય આપશે.


