राष्ट्रीय

પાલતુ કૂતરા માટે સ્ટેડિયમ ખાલી કરાવનારા IAS પર સરકાર મહેરબાન! દિલ્હીમાં આપી મોટી જવાબદારી | IAS Sanjeev Khirwar Returns to Delhi After Stadium Dog Walk Controversy



IAS Officer Sanjeev Khirwar Back in Delhi : શું તમને સંજય ખિરવાર યાદ છે? એ જ IAS અધિકારીએ જેમણે પત્ની અને પાલતુ કૂતરા સાથે મોર્નિંગ વૉક માટે દિલ્હીનું ત્યાગરાજ સ્ટેડિયમ ખાલી કરાવી દીધું હતું. તેમનું પાલતુ કૂતરું આરામથી આંટાફેરા મારી શકે તે માટે ખેલાડીઓને ટ્રેકથી હટાવી દેવાયા હતા. આ મામલે હોબાળો થતાં સરકારે પતિ અને પત્નીની બદલી કરી દીધી હતી. સંજીવ ખિરયારની લદાખમાં તો તેમના IAS પત્ની રિન્કુને અરુણાચલ પ્રદેશ મોકલી દેવાયા હતા. હવે સંજીવ ખિરવારની ફરીથી દિલ્હીમાં બદલી કરાઈ છે. એટલું જ નહીં આ IAS અધિકારીઓ પર નેતાઓના એવા ચાર હાથ છે કે, તેમને દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી સોંપી દેવાઈ છે. 

કોણ છે સંજીવ ખિરવાર? 

સંજીવ ખિરવાર 1994ની બેચમાં IAS અધિકારી છે. વર્ષ 2022માં તેમનો સ્ટેડિયમમાં પાલતુ કૂતરા સાથે આંટા મારવાનો વીડિયો વાઈરલ થયો, તે સમયે તેઓ દિલ્હીમાં રેવન્યુ કમિશનર હતા. દિલ્હીના તમામ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તેમની નીચે કામ કરતાં હતા. આ ઉપરાંત તેઓ પર્યાવરણ વિભાગના સચિવ તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા.

આ દરમિયાન તેમના પર આરોપ લાગ્યો હતો કે, સંજીવ ખિરવાર સાંજના સમયે ત્યાગરાજ સ્ટેડિયમમાં પોતાનો કૂતરો ફેરવી શકે તે માટે પ્રેક્ટિસ કરતા એથ્લેટ્સ અને કોચને નિર્ધારિત સમય કરતા વહેલા (સાંજે 7 વાગ્યે) સ્ટેડિયમ ખાલી કરવા મજબૂર કરતા હતા. આ મુદ્દે વિવાદ થતા અને પાલતુ કૂતરા સાથે વૉક કરતો તેમનો વીડિયો વાઇરલ થતા દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. 

આ ઘટના પછી તેમની લદાખમાં બદલી કરાઈ હતી. જો કે સંજીવ ખિરવારે દાવો કર્યો હતો કે, હા હું ઘણીવાર કૂતરાને લઈને સ્ટેડિયમમાં આવું છું. પરંતુ મેં ખેલાડીઓને પ્રેક્ટિસ અટકાવી નથી. મારા પરના આરોપ પાયાવિહોણા છે. 

સંજીવ ખિરવાર સામે અનેક પડકારો 

અશ્વની કુમાર દિલ્હી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત થયા બાદ આ હોદ્દો ખાલી હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં કચરાના નિકાલ (લેન્ડફિલ સાઇટ્સ), નાણાકીય કટોકટી અને સફાઈ વ્યવસ્થા મુખ્ય છે. ભૂતકાળના વિવાદોને પાછળ છોડીને ખિરવાર દિલ્હીના વહીવટમાં કેવી કામગીરી કરે છે, તેના પર હવે સૌની નજર રહેશે. જો કે, તેમની નિમણૂકથી સોશિયલ મીડિયામાં ફરી એકવાર જૂના વિવાદની યાદ તાજી થઈ છે.

જોગાનુજોગ દિલ્હીમાં અત્યારે રખડતાં કૂતરા સૌથી મોટો ચર્ચાનો વિષય

નોંધનીય છે કે સંજીવ ખિરવારને એવા સમયે દિલ્હીમાં જવાબદારી આપવામાં આવી છે જ્યારે દિલ્હીમાં રખડતાં કૂતરાઓ એક મોટી સમસ્યા બન્યા છે. રખડતાં કૂતરાઓની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ મામલે પશુપ્રેમીઓ તથા રખડતાં કૂતરાઓનો વિરોધ કરનારા સામસામે આવ્યા છે. એવામાં સંજીવ ખિરવાર સામે આ સમસ્યાનું સમાધાન કરવું જ મોટો પડકાર રહેશે. 





Source link

Related Articles

Back to top button