જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી વધુ બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police complaint of theft of 2 more motorcycles near Jamnagar city and Khambhaliya bypass

![]()
Jamnagar Vehicle Theft : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ઠંડીની મોસમમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, અને એકી સાથે બે મોટરસાયકલની ઉઠાંતરી કરી ગયાની પોલીસ ફરિયાદ થઈ છે, જયારે નવા નાગના ગામ પાસે રેલ્વે લાઈન નજીક પાર્ક કરવામાં આવેલા હીટાચી મશીનમાંથી બે નંગ બેટરીની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં વુલનમિલ પાસે યાદવ નગરમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા ચેતનભાઇ લખમણભાઇ કંડોરીયાએ નવા નાગના ગામની સીમ વિસ્તારમાં રેલ્વે લાઈન પાસે પાર્ક કરેલા પોતાના હિટાચી મશીનમાંથી કોઈ તસ્કરો રૂપિયા 20,000ની કિંમતની બે નંગ બેટરીની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદી દ્વારા રેલવેનું કામ ચલાવવામાં આવી રહ્યું છે, અને રેલવેની નવી લાઈન નાખવાના કામકાજ દરમિયાન હિટાચી મશીનને રેલવેની લાઈન નજીક પાર્ક કરીને રાખ્યું હતું, જેમાંથી કોઈ તસ્કરો બે નંગ બેટરીની ચોરી કરી જતાં બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવી છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા શબ્બીર સુલેમાનભાઈ કેર નામના માછીમાર યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનું રૂપિયા 30,000 ની કિંમતનું મોટર સાયકલ કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે પાર્ક કરવામાં આવેલા વધુ એક મોટરસાયકલને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને બાઈકની ચોરી કરી ગયા હતા. જે બનાવ અંગે જલ્પેશભાઈ કિશોરભાઈ નકુમે પોતાનું રૂપિયા 40,000 ની કિંમતનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.



