કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opposition alleges political pressure on blo gujarat voter list

Massive Voter List Overhaul in Gujarat: રાજ્ય ચૂંટણી પંચ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે. હાલમાં મતદારોના નામ ઉમેરવા અને રદ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમ છતાંય કોંગ્રેસ અને આપ રેલી-સભામાં વ્યસ્ત રહ્યાં હતાં જેનો રાજકીય લાભ લઇને ભાજપે બરોબરનો ખેલ પાડી દીધો છે. એક બાજુ, બારોબાર ફોર્મ- 7 ભરાવીને 9.50 લાખથી વઘુ મતદારોના નામ કમી કરવા ગોઠવણ પાડી છે તો બીજી બાજુ, ભાજપે 2.70 લાખ સમર્થક-નવા મતદારો ઉમેરવા અરજી કરી છે જેના પગલે વિપક્ષો દોડતાં થયાં છે.
મતચોરીનો મુદ્દો અને વિપક્ષી આક્ષેપ
વોટચોરી થઇ રહી છે તે મુદ્દો ચગાવ્યા બાદ ગુજરાતમાં પણ 70 લાખથી વઘુ મતદારો શંકાના ઘેરામાં છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આમ છતાંય સરની કામગીરીને લઇને કોંગ્રેસ કે આપ જરાયે ગંભીર રહ્યા નહી. આક્રોશ રેલી યોજી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જનસંપર્ક કરવામાં વ્યસ્ત રહ્યા હતાં. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સરકારની ટીકા ટિપ્પણીમાં જ રચ્યાપચ્યાં રહ્યા હતાં. વિપક્ષોની જકીય કાર્યક્રમમાં વ્યસ્તતા જોઇને ભાજપે સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડી હતી.
ગુજરાતમાં 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજી
ખુદ વિપક્ષના નેતાઓ જ કહી રહ્યાં છે કે, બીએલઓ પર રાજકીય દબાણ ઉભુ કરીને દરેક વિધાનસભા બેઠક પર 10-15 હજાર મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ ભરાવી દેવાયાં છે. આખાય ગુજરાતમાં કુલ મળીને 9.58 લાખ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ છે. એટલુ જ નહીં, જ્યાં ઓછી સરસાઇથી જીત હાંસલ થઇ છે તે બેઠક પર ભાજપે નવા મતદારોના ફોર્મ ભરાવી દીધાં છે. ભાજપે કુલ મળીને 2.78 લાખ ફોર્મ ભર્યાં છે. જ્યારે કોંગ્રેસ અને આપે નવા મતદારોના માટે ફોર્મ જ ભર્યાં નથી જે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા છે.
આગામી ચૂંટણીઓમાં વિપક્ષના અસ્તિત્વ પર ખતરો
જો વિપક્ષના સમર્થક મતદારોના નામ ફાઇનલ મતદાર યાદીમાંથી બાકાત થઇ જાય તો ભાજપને સીધો લાભ મળી શકે તેમ છે. એટલુ જ નહીં, સ્થાનિક સ્વરાજય કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી યોજાય તો વિપક્ષનો એકડો નીકળી જશે તે નક્કી છે. જબ ચિડીયા ચૂગ ગઇ ખેત જેવો ઘાટ સર્જાયો છે ત્યારે કોંગ્રેસ-આપે સુપ્રિમના દ્વાર ખખડાવવા તૈયારી કરી છે.
વર્ષ 2001માં 1.19 લાખ મતદારો ઉમેરાયાં, 60,429 રદ થયા હતાં
વર્ષ 2001ની સાત મહિના સુધી સરની કામગીરી હાથ ધરાઇ હતી ત્યારે ગુજરાતમાં 1,19,366 મતદારો ઉમેરાયાં હતા. તે વખતે અમદાવાદમાં સૌથી વઘુ 31,540, સુરતમાં 10,447 અને ભરુચમાં 6848 ફોર્મ ભરાયા હતાં. મતદારો ઉમેરાયા તેની ટકાવારી માત્ર 0.19 ટકા રહી હતી. જ્યારે આ વખતે કુલ મળીને 2.75 લાખથી વઘુ નવા મતદારો ઉમેરવા માટે ફોર્મ ભરાયાં છે. ગત વખતની સરખામણીમાં આ વખતે મતદારો ઉમેરવા માટે બમણાં ફોર્મ ભરાયાં છે.
ગત વખતે ચૂંટણીકાર્ડ હોય તો કુંટુંબના વડાને મળીને નામ ઉમેરાયા હતાં
ગત વખતે ચૂંટણી કાર્ડ હોય પણ મતદારયાદીમાં નામ ન હોય તો કુટુંબના વડાને મળી ચર્ચા કરી નામ ઉમેરવામાં આવ્યા હતાં. પણ આ વખતે સરની કામગીરી આ બાબતે કોઇ જોગવાઇ કરાઇ નથી. આ વખતે તો મતદારોને નોટિસ આપીને પુરાવા માંગવામાં આવ્યા છે. માહિતી અધિકાર હેઠળ ખુદ સરકારે આ વાત સ્વીકારી છે.




