લો-ગાર્ડન,મીઠાખળીના રોડ ડેવલપ કરવા ૧૦૦ કરોડનો ખર્ચ, કયાં-કેટલી ફૂટપાથ રાખવી એની ચોકકસ પોલીસી જ નથી | To develop Law Garden Mithakhali Road

![]()
અમદાવાદ,ગુરુવાર,22
જાન્યુ.2026
અમદાવાદમાં સી.જી.રોડ ઉપર લો-ગાર્ડન અને મીઠાખળી વિસ્તારના
કુલ છ રોડ પ્રીસીન્ટ એરિયા તરીકે ડેવલપ
કરવા રુપિયા ૧૦૦ કરોડનો ખર્ચ કરવા મંજૂરી
અપાઈ હતી. આ પ્રોજેકટ માટે રુપિયા ૧૩.૦૨ કરોડ જી.એસ.ટી.પેટે ચૂકવવાનુ નકકી કરાયુ
હતુ.બુધવારે ગીરીશ કોલ્ડ્રિંકસ પાસે ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો કરી દેવાતા કામગીરી
અટકાવી દેવાઈ હતી.ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં કેટલા મીટરના
રોડ ઉપર કેટલી ફૂટપાથ રાખવી એ અંગે ચોકકસ પોલીસી બનાવવા મ્યુનિ.કમિશનરને સુચના
અપાઈ હોવાનુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ હતુ. કોર્પોરેશનના રોડ
વિભાગના ઈજનેરોએ આ પ્રોજેકટ માટે આંખો બંધ રાખીને મંજૂરી આપી હોવાની વિગત ખુલી
હતી. જવાબદાર અધિકારીઓ સામે કમિશનર જ પગલા લેશે.
૭ જુલાઈ-૨૫ના રોજ મળેલી કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ
કમિટીની બેઠકમાં લો-ગાર્ડન અને મીઠાખળી પ્રીસીન્ટ એરીયા તરીકે એનસીસી ચોકથી
સુભદ્રાપુરા જંકશન સુધીના ૧૩૨૦ મીટર લંબાઈનો રોડ, માઉન્ટ કાર્મેલથી જલારામ અંડરપાસ સુધીના ૨૦૭૦ મીટર લંબાઈનો
રોડ, જીઆઈસીઈએથી
પંચવટી સર્કલ સુધી ૫૨૦ મીટર લંબાઈનો રોડ,
મીઠાખળી સર્કલથી વાઘબકરી ટી લોન્જ સુધીના ૯૭૦ મીટર લંબાઈનો રોડ, માઉન્ટ કાર્મેલથી
કોમર્સ છ રસ્તા સુધી ૧૩૬૦ મીટર લંબાઈનો રોડ અને વીરચંદ ગાંધી ચોકથી મીઠાખળી સર્કલ
સુધી ૪૪૦ મીટર લંબાઈનો રોડ મળીને કુલ ૬૬૮૦
મીટર લંબાઈના રોડ ડેવલપ કરવા મંજૂરી અપાઈ હતી.પ્રીસીન્ટ એરીયા તરીકે પહેલી વખત
લો-ગાર્ડન અને મીઠાખળી આસપાસના છ રોડને ડેવલપ કરવાનુ નકકી કરાયુ હતુ.જેમાં આ રોડ
ઉપર સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા,રાહદારીઓને
ચાલવા માટે પ્લાન્ટેશન યુકત વોક-વે તેમજ ફૂટપાથની વ્યવસ્થા ડેવલપ કરવાનુ નકકી
કરાયુ હતુ.આ ઉપરાંત દરેક રોડ ઉપર વેન્ડિંગ ઝોન, ગજેબો,
બેસવા માટે બેન્ચિસ, સ્કલપચર્સ, લેન્ડ સ્કેપિંગ,થીમ લાઈટીંગ
ડેવલપ કરવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ તમામ રોડ ડેવલપ કરવા કોન્ટ્રાકટ સ્કાયવે
ઈન્ફ્રા પ્રોજેકટ પ્રા.લી.ને આપવામા આવ્યા છે.રોડની ડિઝાઈન એચપીસી કન્સલ્ટન્ટ
દ્વારા તૈયાર કરાઈ છે.
ડિઝાઈનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી કામ બંધ રહેશે
સીજી રોડના કુકડા સર્કલથી મીઠાખળી સર્કલ સુધીના ૫૦૦ મીટરના રોડની
કામગીરી શરૃ કરાઈ હતી.રોડની પહોળાઈ ૧૮ મીટરની છે.જેમાં રોડની બંને સાઈડ ૨.૧ મીટર પહોળાઈની
ફૂટપાથ ડિઝાઈન કરાઈ હતી.સાથે સ્ટ્રીટ પાર્કિંગ અને યુટીલીટી ઝોનનુ પ્લાનિંગ કરાયુ હતુ.જેમાં
૯ મીટર જગ્યા વપરાઈ હતી.જયારે મેઈન કેરેજ વે માટે માત્ર ૯ મીટરની પહોળાઈનો રોડ રહ્યો
હતો.જેથી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.આ કારણથી હવે ડિઝાઈન બદલવાનો નિર્ણય કરાયો છે.ડિઝાઈન
નહીં બદલાય ત્યાં સુધી રોડની કામગીરી બંધ રહેશે.
૨૭૦ કરોડના ખર્ચે ૨૦ રોડ પ્રીસીન્ટ એરીયા તરીકે ડેવલપ કરાશે
વર્ષ-૨૦૨૫-૨૬ના મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં ૩૮
કિલોમીટર લંબાઈમા મેટ્રો પ્રીસીન્ટ એરીયા તરીકે ડેવલપ કરવા જોગવાઈ કરાઈ હતી. જે
પૈકી ૨૦ રોડ ડેવલપ કરવા રુપિયા ૨૭૦ કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ હતી.સરખેજ રોઝાની
આસપાસના ચાર કિલોમીટરના રોડ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ આસપાસના દોઢ કિલોમીટરના
વિસ્તાર, હેલ્થ
કેર પ્રિસીન્ટ એરીયા તરીકે સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ આસપાસના છ
કિલોમીટરના રોડ, એજયુકેશન
નોલેજ સોસાયટી પ્રિસીન્ટ એરીયા તરીકે એલ.ડી. એન્જિનિયરીંગ અને આસપાસની કોલેજના
૬.૮૫ કિલોમીટરના એરીયા તેમજ સ્પોટર્સ થીમ આધારીત પ્રિસીન્ટ એરીયા તરીકે નરેન્દ્ર
મોદી સ્ટેડિયમ તથા નારણપુરા સ્પોટર્સ કોમ્પલેકસ આસપાસના ૬.૮૫ કિલોમીટરના એરીયાની
સાથે કલ્ચરલ ડિસ્ટ્રીકટ પ્રિસીન્ટ એરીયા તરીકે ટાગોરહોલ,ગાંધીઆશ્રમની
આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારને ડેવલપ કરવા બજેટમાં જોગવાઈ કરવામા આવી હતી.



