યુદ્ધના ભણકારા: ‘દુશ્મનોનો કાળ’ ગણાતું અમેરિકાનું લિંકન જહાજ ઈરાન સરહદે પહોંચતા તેહરાનમાં હાઈ એલર્ટ | US Warship USS Abraham Lincoln Reaches Near Iran

![]()
Iran and USA War Situation Updated : ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જહાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જેના જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે.
અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન (USS Abraham Lincoln) હવે ઈરાનની સાવ નજીક પહોંચી ગયું છે. આ યુદ્ધ જહાજ માત્ર એક જહાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર, સબમરીન અને અદ્યતન વિનાશક જહાજોનો આખો સ્ટ્રાઈક ગ્રુપ ચાલે છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ બેડો એકલો જ ઈરાની સેનાને ભારે પડી શકે તેમ છે.
ઈરાનની આકરી ચેતવણી અને હાઈ એલર્ટ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નિવેદન આપ્યું હતું કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે. જોકે, ઈરાને આ વાતને ફગાવતા વોશિંગ્ટનને સીધી ચેતવણી આપી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરે જણાવ્યું છે કે દેશમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો છતાં તેમની સેના સંપૂર્ણ સજ્જ છે અને તેમની “આંગળીઓ અત્યારે ટ્રિગર પર જ છે.” આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાન કોઈ પણ હુમલાનો સામનો કરવા તૈયાર છે.
અમેરિકાના પાંચ ‘બ્રહ્માસ્ત્ર’ જેનો ઈરાન પાસે તોડ નથી
સંરક્ષણ નિષ્ણાતોના મતે અમેરિકા પાસે એવા હથિયારો છે જે મિનિટોમાં ઈરાનના મિસાઈલ સાઈટ્સ અને પરમાણુ ઠિકાણાઓને નેસ્તનાબૂદ કરી શકે છે:
B-2 સ્ટીલ્થ બોમ્બર: જે રડારમાં પકડાતા નથી. અમેરિકા આવા વધુ 52 નવા બોમ્બર બનાવી રહ્યું છે.
ટોમહોક મિસાઈલ: અત્યંત સચોટ નિશાન લગાવવા માટે જાણીતી આ મિસાઈલ ભારે તબાહી મચાવી શકે છે.
F-35 અને F-22 ફાઈટર જેટ્સ: પાંચમી પેઢીના આ વિમાનો સામે ઈરાનના જૂના વિમાનો ટકી શકે તેમ નથી.
MQ-9 રીપર ડ્રોન: 50 હજાર ફૂટની ઊંચાઈએથી 27 થી 42 કલાક સુધી સતત ઉડાન ભરીને ટાર્ગેટને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈઝરાયલ ‘વોર મોડ’માં : સેના હાઈ એલર્ટ પર
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ઈઝરાયલ પણ સતર્ક થઈ ગયું છે. ઈઝરાયલની સેના (IDF) એ દેશમાં એલર્ટ લેવલ વધારી દીધું છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓને એક્ટિવ કરી દેવામાં આવી છે. IDF ચીફ એયાલ જામિરે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ કોઈપણ ‘સરપ્રાઈઝ વોર’ માટે તૈયાર છે અને તેમની સેના હાઈ એલર્ટ પર છે.



