गुजरात

અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન! દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ | National Flag Insulted Near BJP MLA Dinesh Kushwah’s Office in Bapunagar Ahmedabad



Ahmedabad News : ગુજરાતમાં એક તરફ સરકાર કડક દારૂબંધી અને રાષ્ટ્રભક્તિના દાવા કરે છે, પરંતુ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ બંને દાવાઓના લીરેલીરા ઉડાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહની ઓફિસની સાવ નજીક આવેલા સર્કલ પર રાષ્ટ્રધ્વજ સાથે ઝાડુ અને તેની પાસેના પુતળા પર દારૂની બોટલો લટકાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજની ગરિમા લજવાઈ

સરસપુર વિસ્તારમાં આવેલા એક જાહેર સર્કલ પર સ્થાપિત પ્રતિમા પાસે રાષ્ટ્રધ્વજ લહેરાય છે. આ પવિત્ર સ્થળ પર અજાણ્યા તત્વો દ્વારા દારૂની ખાલી બોટલો અને ઝાડુ લટકાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના ધોળા દિવસે જાહેર માર્ગ પર બની હોવા છતાં, કલાકો સુધી પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન ગયું નહોતું. ધારાસભ્યની ઓફિસ પણ નજીકમાં જ હોવા છતાં આ પ્રકારે રાષ્ટ્રધ્વજનું અપમાન થવું તે તંત્રની ઘોર નિષ્ક્રિયતા દર્શાવે છે.

વીડિયો વાઈરલ થતા તંત્ર ‘સફાળું’ જાગ્યું

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેના પગલે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. આ મામલો ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને સ્થળ પર મોકલીને અપમાનજનક વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: VIDEO: શીલજમાં 9 વાહનોને અડફેટે લેનારા નબીરાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યું? કાયદો ફક્ત નાના માણસો માટે!

શું કહે છે જનતા?

સ્થાનિક રહીશોમાં આક્રોશ છે કે જો ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ તિરંગાનું આ પ્રકારે અપમાન થતું હોય અને દારૂની બોટલો મળી આવતી હોય, તો અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે? લોકોની માંગ છે કે આ હરકત કરનાર અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવે.

હાલમાં આ ઘટનાને પગલે બાપુનગર પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button