गुजरात

VIDEO: શીલજમાં 9 વાહનોને અડફેટે લેનારા નબીરાના કેસમાં પોલીસે ભીનું સંકેલ્યું? કાયદો ફક્ત નાના માણસો માટે! | A drunk driver rammed into 9 vehicles in Shilaj Ahmedabad police took poor action



Ahmedabad News : અમદાવાદમાં બિનધાસ્ત દારૂ પીવો, કાર ચલાવી વાહનોને અડફેટે લો, કે અકસ્માત સર્જો, તો પણ પોલીસ તમને છોડી મૂકશે, શરત માત્ર એટલી કે તમે કોઈ માલેતુજાર કે વગતાર વ્યક્તિ કે તેમના પરિવારના સભ્ય હોવા જોઈએ. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી વધુ એક ઘટના અમદાવાદના શીલજ વિસ્તારમાં સામે આવી છે. રાજ્યના શાસકો ભલે ‘ચમરબંધીઓને નહીં છોડવાની’ ગુલબાંગો પોકારતા હોય, પરંતુ અમદાવાદ પોલીસની કાર્યવાહી જોઈને લાગે છે કે જો તમે વગદાર કે માલેતુજાર હોવ, તો કાયદો તમારા માટે માત્ર એક કાગળનો ટુકડો છે. શીલજ-રાંચરડા રોડ પર ચિક્કાર દારૂ પીને 9 વાહનોને અડફેટે લેનાર નબીરાને પોલીસે ગણતરીના કલાકોમાં જ મુક્ત કરી દેતા અનેક સવાલો ઉભા થયા છે.

શું હતી સમગ્ર ઘટના?

ગત 18 જાન્યુઆરીની રાત્રે શીલજ-રાંચરડા રોડ પર ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. નીતિન શાહ નામનો કારચાલક દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ સ્પીડે જતી કારે રસ્તા પર પસાર થતા અને પાર્ક કરેલા એક પછી એક કુલ 9 વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર) ને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે, અનેક વાહનોના ભારે નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ જો કોઈ નિર્દોષ નાગરિક આડફેટે આવ્યો હોત તો મોટું મોત નિપજ્યું હોત. ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત નીતિન શાહને પકડી પાડ્યો હતો. એ સમયે શૂટ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપી નીતિન શાહ એટલો નશામાં હતો કે તે પોતાના પગ પર ઊભો પણ રહી શકતો નહોતો અને લથડિયાં ખાતો હતો.

આ પણ વાંચો: ‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા

આ મામલે પોલીસની ભૂમિકા શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. જેમ કે… 

1. હદનો વિવાદ અને ફરિયાદમાં વિલંબ 

અકસ્માત થયા બાદ તુરંત કાર્યવાહી કરવાને બદલે શીલજ, બોપલ અને M ડિવિઝન ટ્રાફિક પોલીસ વચ્ચે ‘હદ’ નો વિવાદ શરૂ થયો હતો. કલાકો સુધી ચાલેલી આ ખેંચતાણને કારણે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો. અંતે મામલો વધુ ગરમાતા M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તસ્દી લીધી હતી.

2. નબીરાને VIP ટ્રીટમેન્ટ અને મુક્તિ 

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જે નબીરાએ 9 વાહનોને અડફેટે લીધા, જેણે નશો કર્યો છે તે પણ જગજાહેર હતું, તેને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં કસ્ટડીમાંથી છોડી મૂક્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ ‘મોટા સેટલમેન્ટ’ અથવા ઉપરથી આવેલા દબાણને કારણે પોલીસે આરોપીની યોગ્ય પૂછપરછ પણ કરી નથી.

3. FSL રિપોર્ટનો સહારો લઈને ઢાંકપિછોડો 

M ડિવિઝન ટ્રાફિક પી.આઈ. (PI) એ જણાવ્યું કે આરોપીના બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયા છે. જોકે, હજુ સુધી દેશની શ્રેષ્ઠ ગણાતી FSLમાંથી રિપોર્ટ આવ્યો નથી. પરંતુ સવાલ એ છે કે રિપોર્ટ આવે તે પહેલા જ આરોપીને જવા કેમ દેવાયો? શું પોલીસ રિપોર્ટ નેગેટિવ લાવવા માટેનો સમય આપી રહી છે? તેવા ગંભીર આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસ સાંસદના ભત્રીજાએ પારિવારિક વિવાદમાં પત્નીને ગોળી મારીને આત્મહત્યા કરી

સામાન્ય જનતામાં રોષ: કાયદો માત્ર ગરીબો માટે?

શહેરના બુદ્ધિજીવીઓ અને સામાન્ય નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે. જો આ જ અકસ્માત કોઈ સામાન્ય મધ્યમવર્ગીય વ્યક્તિએ કર્યો હોત, તો શું પોલીસ તેને આ રીતે છોડી દેત? શું પોલીસ પણ માલેતુજારોના ઈશારે નાચી રહી છે?

રાજ્યના નાયબ મુખ્યમંત્રી જ્યારે દારૂ-ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વાતો કરતા હોય, ત્યારે જ અમદાવાદના પોશ વિસ્તારમાં આવી ઘટના બને અને પોલીસ નરમ વલણ અપનાવે તે સરકારની છબી પર પણ સવાલો ઊભા કરે છે. શું ગૃહ વિભાગ આ મામલે હસ્તક્ષેપ કરીને કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે તપાસ કરશે?



Source link

Related Articles

Back to top button