गुजरात

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સમીકરણો બદલાયા : રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન | Alliance between Royal and Satyamev Jayate Group in Baroda Cricket Association elections


Baroda Cricket Association Election : બરોડા ક્રિકેટ એસોસિએશનની (BCA) આગામી તા.15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી સત્યમેવ જયતે, રિવાઇવલ અને રોયલ ગ્રુપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આજે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપ અને ડો. દર્શન બેંકરના સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત થતાં ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે.

આ ગઠબંધનની જાહેરાત આજે યોજાયેલી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં બીસીએ બચાવોના સ્લોગન સાથે કરવામાં આવી હતી. બંને જૂથે સ્પષ્ટ કર્યું હતું કે, આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય બરોડા ક્રિકેટનો સર્વાંગી વિકાસ અને ક્રિકેટર્સની સફળતા સુનિશ્ચિત કરવાનો છે.

પ્રેસ કોન્ફરન્સમાં ડો. દર્શન બેંકરે જણાવ્યું હતું કે, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના વિઝન અને લીડરશીપ હેઠળ આ ચૂંટણી લડવાનો સત્યમેવ જયતે ગ્રુપનો નિર્ણય છે. તેમણે ઉમેર્યું હતું કે, ગઠબંધન દ્વારા ક્રિકેટના વિકાસ સાથે સાથે અન્ય એડમિનિસ્ટ્રેટિવ મુદ્દાઓ પર પણ અસરકારક રીતે કામ કરવામાં આવશે.

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સમીકરણો બદલાયા : રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન 2 - image

મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, બરોડા ક્રિકેટમાં સુધારો લાવવાના પ્રયાસો કરવામાં આવશે, મેનેજમેન્ટમાં ટ્રાન્સપરન્સી લાવવામાં આવશે અને ક્રિકેટર્સને યોગ્ય મેમ્બરશીપ મળે તે દિશામાં પગલાં ભરવામાં આવશે. બરોડા ક્રિકેટને આગળ લઈ જવા માટે આ સંગઠનની રચના કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું છે.

રિવાઇવલ અને રોયલ ગ્રુપ વચ્ચે ભંગાણ બાદ આ નવું ગઠબંધન રચાયું છે. આ અંગે સ્પષ્ટતા કરતા બંને નેતાઓએ જણાવ્યું હતું કે, પ્રણવ અમીનના રિવાઇવલ ગ્રુપમાં એક હથ્થું શાસન હોવાનો આક્ષેપ છે અને ચૂંટણીમાં હોદ્દેદારો ક્રિકેટથી માહિતગાર હોવા જોઈએ તેવી માંગ વચ્ચે સમજૂતી ન થતાં હવે રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ સાથે આવ્યા છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમનું નામ સર સયાજીરાવ ગાયકવાડ સ્ટેડિયમ રાખવાની માગ અંગે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે, આ એસોસિએશનના મેમ્બરોનો વિષય છે અને જો મેદાનનું નામ સયાજીરાવ ગાયકવાડ રાખવામાં આવે તો અમને આનંદ રહેશે.

ગઠબંધન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, પાછલા ત્રણ વર્ષમાં બરોડા ક્રિકેટનું સ્તર ઘણું નીચું ગયું છે અને ક્રિકેટ માટે મહત્વના અનેક પ્રોજેક્ટનું અમલીકરણ થયું નથી. ઉપરાંત સાંકરદા જમીન મામલે 8.22 કરોડના ચેક રિટર્ન કેસ તથા સ્ટેડિયમના રસ્તા માટે ઊંચા ભાવે ખરીદેલી જમીન મુદ્દે જણાવ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ તમામ ડોક્યુમેન્ટનો અભ્યાસ કરીને હકીકત સામે આવશે અને જો કોઈ ખોટું કામ થયું હશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.



Source link

Related Articles

Back to top button