ટ્રમ્પનું ‘બોર્ડ ઓફ પીસ’ લૉન્ચ, પાકિસ્તાન સહિતના દેશો બન્યા સભ્ય; પહેલા જ ભાષણમાં આપી ધમકી | trump launches board of peace pakistan joins warning to hamas

Trump Warning to Hamas: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન એક ઐતિહાસિક જાહેરાત કરતા ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace)ના પ્રથમ ચાર્ટરને ઔપચારિક રીતે લૉન્ચ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ની તર્જ પર બનેલી આ નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પ્રારંભિક હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાનો છે, પરંતુ ભવિષ્યમાં તે વિશ્વભરના વિવાદો ઉકેલવા માટે કામ કરશે.
હમાસને અંતિમ ચેતવણી: હથિયાર નહીં છોડો તો આંદોલન ખતમ થશે
‘બોર્ડ ઓફ પીસ’ના લૉન્ચિંગ સમયે ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને કડક ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તેઓ હથિયારો નહીં છોડે તો પેલેસ્ટાઈની આંદોલનનો અંત આવશે. તેમણે શરણાગતિ સ્વીકારવી જ પડશે, અન્યથા તે તેમનો વિનાશ હશે.’ દાવોસમાં આયોજિત આ કાર્યક્રમમાં પાકિસ્તાન, આર્જેન્ટિના અને ઇન્ડોનેશિયા સહિત વિશ્વના અનેક દેશોના વડાઓ હાજર રહ્યા હતા.
અમે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ: ટ્રમ્પ
પોતાના આત્મવિશ્વાસભર્યા અંદાજમાં ટ્રમ્પે કહ્યું, ‘એકવાર આ બોર્ડ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય, પછી અમે જે કરવા ઈચ્છીએ તે લગભગ બધું જ કરી શકીશું અને આ કામ અમે યુનાઈટેડ નેશન્સ (UN) સાથે મળીને કરીશું. યુએન પાસે ઘણી ક્ષમતાઓ છે, જેનો અત્યાર સુધી પૂરેપૂરો ઉપયોગ થયો નથી.’
ટ્રમ્પ પોતે આ બોર્ડના અધ્યક્ષ રહેશે. તેમણે વિશ્વના અન્ય દેશોના નેતાઓને પણ આમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે આ બોર્ડ માત્ર ગાઝાના યુદ્ધવિરામ પૂરતું મર્યાદિત ન રહેતા, તેની બહારના મોટા વૈશ્વિક પડકારોનો પણ સામનો કરે. જોકે, તેમના આ પગલાથી એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું આ સંસ્થા હવે વૈશ્વિક કૂટનીતિમાં યુએનનું મહત્ત્વ ઘટાડી નાખશે.
આ પણ વાંચો: ના ટેરિફ, ના સૈન્ય હુમલો… ગ્રીનલેન્ડ પર કબજો કરવા ડોનાલ્ડ ટ્રમ્પે બદલી ફોર્મ્યુલા!
પાકિસ્તાન સહિત અનેક દેશો જોડાયા, પણ પશ્ચિમી દેશોમાં ખચકાટ
આ નવા સંગઠનમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર માઇલી અને ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતો સહિત એક ડઝનથી વધુ દેશોના વડાઓએ દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પ આ બોર્ડના અધ્યક્ષ રહેશે. જોકે, અમેરિકાના પરંપરાગત પશ્ચિમી સહયોગી દેશો અને યુએન સુરક્ષા પરિષદના અન્ય કાયમી સભ્યો હાલમાં આમાં જોડાતા અચકાઈ રહ્યા છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે આ બોર્ડના કાયમી સભ્ય બનવા માટે દરેક દેશે 1 બિલિયન ડોલર (અંદાજે રૂ. 8300 કરોડ)નું ભંડોળ આપવું પડશે.
યુએનની ભૂમિકા અને ભવિષ્યનું સંકટ
ટ્રમ્પના આ પગલાથી એવી આશંકા સેવાઈ રહી છે કે ‘બોર્ડ ઓફ પીસ’ વૈશ્વિક મુત્સદ્દીગીરીમાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને નબળી પાડી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, હસ્તાક્ષર સમારોહ બાદ આ બોર્ડ હવે એક સત્તાવાર આંતરરાષ્ટ્રીય સંગઠન બની ગયું છે. ટ્રમ્પે અન્ય વિશ્વ નેતાઓને પણ આમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે યુએનમાં ઘણી ક્ષમતા છે જેનો અત્યાર સુધી પૂરો ઉપયોગ થયો નથી અને આ નવું બોર્ડ ગાઝામાં યુદ્ધવિરામથી આગળ વધીને વૈશ્વિક પડકારોનો સામનો કરશે.
પાકિસ્તાનમાં જ શરીફ અને મુનિરના નિર્ણયનો વિરોધ
જો કે, ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં જોડાઈ જવાના પાકિસ્તાન સરકારના નિર્ણય સામે પાકિસ્તાનમાં જ ભારે રોષની લાગણી પ્રવર્તી છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો આ નિર્ણયને ઐતિહાસિક ભૂલ ગણાવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ટીકાઓ મુજબ, ઈઝરાયલના નેતન્યાહુ જેવા આંતરરાષ્ટ્રીય ગુનેગારને તેના યુદ્ધ અપરાધો માટે જવાબદાર ઠેરવવાને બદલે, માત્ર ટ્રમ્પને ખુશ કરવા માટે ‘બોર્ડ ઓફ પીસ’માં સામેલ થઈ જવું તે પેલેસ્ટાઈન કોઝ (Palestinian cause) સાથે ગદ્દારી સમાન છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની નીતિઓ પર કટાક્ષ કરતા પાકિસ્તાનના પૂર્વ કાયદા મંત્રી બાબર અવાને કહ્યું છે કે, શાહબાઝની ‘બૂટ-પોલિશિંગ’ કરવાની આદતે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે ક્યાં લાવીને ઊભું કરી દીધું!
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર બાબર સજ્જાદે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, ‘અફસોસ, આ એ જ શાંતિ છે, જે કેટલાક મુસ્લિમ દેશો લાચાર પેલેસ્ટિનિયનો માટે હાંસલ કરી શક્યા છે, ટ્રમ્પની ખુશામત અને ચાંપલૂસી કરીને. આમ છતાં, એટલી ધૃષ્ટતા સાથે કહેવાઈ રહ્યું છે કે આ તો પેલેસ્ટાઈનના હિતમાં છે. આ મુસ્લિમ વિશ્વની સૌથી મોટી પાખંડી રાજનીતિનું ઉદાહરણ છે.’
આ નિર્ણયના ટીકાકારોનું કહેવું છે કે, આ પગલું મોહમ્મદ અલી ઝીણા (કાયદે-આઝમ) ના એ આદેશોની વિરુદ્ધ છે, જેમાં તેમણે હંમેશા પેલેસ્ટાઈનના પક્ષમાં રહેવાની હિમાયત કરી હતી. આ એક ગંભીર ચિંતાનો વિષય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાય અપાવવાને બદલે શક્તિશાળી દેશોની જી-હજૂરી કરવાના આ નિર્ણયને પાકિસ્તાનની વિદેશ નીતિની મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.




