दुनिया

Explainer: ગ્રીનલૅન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું થશે? જાણો ટ્રમ્પના ઇરાદા કેવા જોખમ નોંતરી શકે છે | US Interest in Greenland: Trump’s Ambitions Independence Movement and Geopolitical Risks



Trump Greenland Ambition : આર્કટિક ક્ષેત્રના સૌથી મોટા ટાપુ ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવાની અમેરિકાની મહત્ત્વાકાંક્ષાએ વૈશ્વિક રાજકારણ એટલી હદે ગરમાવ્યું છે કે, જૂગજૂના સાથી અમેરિકા અને અમેરિકા એકબીજાને સૈન્ય કાર્યવાહીની ધમકીઓ આપી રહ્યા છે. ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલૅન્ડની વસ્તી 55,000 જેટલી છે, જેમાંના મોટાભાગના ઇન્યુઇટ જાતિના છે. અમેરિકા તો હમણાં ચિત્રમાં આવ્યું, બાકી ગ્રીનલૅન્ડની પ્રજા તો છેલ્લા ઘણાં વર્ષોથી ડેનમાર્કથી મુક્ત થવાની માંગ કરતી રહી છે. ટ્રમ્પે કોઈપણ ભોગે ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવાની ઇચ્છા જાહેર કરી હોવાથી હવે રહી રહીને એવી વાત ફેલાવા લાગી છે કે ગ્રીનલૅન્ડની સ્વતંત્રતાની ચળવળમાં અમેરિકા ગુપ્ત રીતે ઇંધણ પૂરી રહ્યું છે, જેથી સ્વતંત્ર થયેલા ગ્રીનલૅન્ડમાં વિકાસ અને એની સુરક્ષા કરવાના બહાને એના પર કબજો જમાવી શકાય. શું ખરેખર અમેરિકા આવી પેરવી કરી રહ્યું છે? 

ગ્રીનલૅન્ડની સુરક્ષા, વિદેશ નીતિ અને કાયદો ડેનમાર્ક પાસે 

ગ્રીનલૅન્ડ ડેનમાર્ક સામ્રાજ્યનો ભાગ છે, પરંતુ 1979થી તેને ‘સ્વાયત્તતા’ મળી છે, જેનો અર્થ એ છે કે ગ્રીનલૅન્ડની અલગ સરકાર છે, જે ત્યાંના શિક્ષણ, આરોગ્ય અને કુદરતી સંસાધનો જેવી આંતરિક બાબતોનું સંચાલન કરે છે. પણ, ગ્રીનલૅન્ડની સુરક્ષા, વિદેશ નીતિ અને કાયદાકીય વ્યવસ્થા જેવી બાબતો ડેનમાર્કના હાથમાં છે. ડેનમાર્ક ગ્રીનલૅન્ડને વાર્ષિક આર્થિક સહાય પણ પૂરી પાડે છે, જે ગ્રીનલૅન્ડના બજેટનો મોટો ભાગ છે.

અમેરિકા ગ્રીનલૅન્ડને સ્વતંત્ર થવા ભડકાવતું હોવાનો દાવો 

રાજકીય નિષ્ણાતોના એક વર્ગ અને ડેનમાર્ક મીડિયાનો દાવો છે કે, અમેરિકા ગ્રીનલૅન્ડમાં ડેનમાર્કની સત્તાને નબળી પાડવા માટે પ્રયત્નશીલ છે. અહેવાલો પ્રમાણે, અમેરિકન અધિકારીઓ ડેનિશ સરકારને અવગણીને ગ્રીનલૅન્ડના સ્થાનિક નેતાઓ સાથે સંપર્કમાં છે. તેઓ સહકાર અને રોકાણની ચર્ચા કરી રહ્યા છે. અમુક અમેરિકન નાગરિકો પણ ગ્રીનલૅન્ડમાં રહીને ખાનગી રીતે સ્વતંત્રતાની ચળવળમાં ઇંધણ પૂરતા રહેતા હોવાની વાત છે. અમેરિકનોની આવી ભૂમિકાને લીધે એવી ધારણા બની રહી છે કે અમેરિકા ગ્રીનલૅન્ડને ડેનમાર્કના પ્રભાવથી દૂર કરીને પોતાની તરફ ખેંચવા માંગે છે. અમેરિકન સરકાર પણ આ આરોપોનો સ્પષ્ટ ઇન્કાર નહીં કરતી હોવાથી, આ વાત કોરી કલ્પના લાગતી નથી.  

રશિયાએ યુક્રેનમાં જે કર્યું, એ જ અમેરિકા ગ્રીનલૅન્ડમાં…  

અમેરિકા ગ્રીનલૅન્ડ મુદ્દે જે રમત રમી રહ્યું છે, તેને કેટલાક નિષ્ણાતો રશિયાએ યુક્રેનમાં કરેલી કાર્યવાહી સાથે સરખાવે છે. 2014માં રશિયાએ યુક્રેનના ક્રીમિયા પર કબજો કર્યો અને ડોનેટ્સક તથા લુહાન્સ્ક જેવા પ્રદેશોમાં અલગતાવાદી ચળવળોને ટેકો આપ્યો. રશિયાએ શસ્ત્રો, નાણાં અને રાજકીય સમર્થન પણ પૂરું પાડ્યું, જેને લીધે યુક્રેનની સ્થિરતા ખોરવાઈ ગઈ. 2022થી રશિયા યુક્રેન પર આક્રમણ કરી રહ્યું છે. આ યુદ્ધ જો પુતિનની શરતો સાથે પૂરું થશે તો ડોનેટ્સક અને લુહાન્સ્કને રશિયામાં સમાવી લેવાશે. રસપ્રદ વાત એ છે કે, આ પ્રદેશોની મૂળ માંગ સ્વતંત્ર દેશ બનવાની હતી.

ગ્રીનલૅન્ડ બાબતે અમેરિકા રશિયાના જ નકશેકદમ પર ચાલી રહ્યું હોવાની શંકા કરાઈ રહી છે. કહેવાય છે કે, ગ્રીનલૅન્ડમાં સ્વતંત્રતાની ચળવળને ગુપ્ત રીતે ટેકો આપીને અમેરિકા ડેનમાર્કનું નિયંત્રણ નબળું પાડવા માંગે છે, જેથી ગ્રીનલૅન્ડ અમેરિકાના પ્રભાવ હેઠળ આવી જાય.

સ્વતંત્ર થયા પછી ગ્રીનલૅન્ડની સુરક્ષા જોખમાઈ શકે?  

ગ્રીનલૅન્ડ પાસે પોતાની સેના નથી, એટલે જો તે સ્વતંત્ર થાય તો તેની સુરક્ષા ચિંતાનો વિષય બનશે. એ સંજોગોમાં ગ્રીનલૅન્ડને અમેરિકા અથવા કોઈ અન્ય નાટો (NATO) દેશના સહકારની જરૂર પડશે. એવી શક્યતા છે કે ગ્રીનલૅન્ડ અમેરિકા સાથે સુરક્ષા કરાર કરે. હાલ અમેરિકા ગ્રીનલૅન્ડમાં ‘થુલે એર બેસ’ જેવું સૈન્યમથક ધરાવે જ છે. ગ્રીનલૅન્ડની સુરક્ષાને નામે અમેરિકાને ત્યાં પોતાની સૈન્ય હાજરી વધુ મજબૂત કરવાની તક મળી જશે. 

ગ્રીનલૅન્ડમાં સ્વતંત્રતાની માંગ નવી નથી, પરંતુ ડર પણ છે   

ગ્રીનલૅન્ડમાં સ્વતંત્રતાની માંગ નવી નથી. જાન્યુઆરી 2025ના સર્વેક્ષણો પ્રમાણે, સ્વતંત્રતાના સમર્થનમાં વધારો થયો છે, પરંતુ ઘણાં લોકો આર્થિક અસુરક્ષાને કારણે ડરી રહ્યા છે.

– 56% વસ્તીએ સ્વતંત્રતાને ટેકો આપ્યો હતો. 

– 45% લોકોએ કહ્યું હતું કે, જો અલગ થવાથી ગ્રીનલૅન્ડની સ્થિતિ ખરાબ થવાની હોય તો અલગ નથી થવું. 

ગ્રીનલૅન્ડની સ્વતંત્રતાની માંગ કરતાં રાજકીય પક્ષો

સ્થાનિકોની માંગને બુલંદ બનાવતા મુખ્ય ચાર રાજકીય પક્ષ છે, જે સ્વતંત્રતાના પક્ષમાં છે. જો કે, તેમની વચ્ચે અલગ થવાની ગતિ અને પદ્ધતિ બાબતે મતભેદ છે.

1. સિમુટ (Siumut): આ સૌથી જૂનો અને શક્તિશાળી પક્ષ છે, જે ધીમે ધીમે અને કાયદેસર રીતે સ્વતંત્રતા તરફ વધવાના પક્ષમાં છે.

2. ઇન્યુઇટ અટાકાટિગિટ (Inuit Ataqatigiit – IA): ડાબેરી વિચારધારા ધરાવતો આ પક્ષ પણ સ્વતંત્રતાનો સમર્થક છે, પરંતુ તે ડેનમાર્ક સાથે સારા સંબંધ પર ભાર મૂકે છે.

3. નાલેરેક (Naleraq): આ પક્ષ ઝડપથી અને સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવાનું સમર્થન કરે છે.

4. ડેમોક્રેટ (Demokraatit): આ પક્ષ સ્વતંત્રતા ઇચ્છે છે, પરંતુ એ પહેલાં ગ્રીનલૅન્ડના આર્થિક સ્વાવલંબન પર ભાર મૂકે છે.

ગ્રીનલૅન્ડમાં અમેરિકાના રસના કારણો અનેક છે

અમેરિકાને ગ્રીનલૅન્ડમાં આટલો બધો રસ શા માટે છે, એના કારણો નીચે મુજબ છે. 

1. વ્યૂહાત્મક સ્થાન: આર્ક્ટિક ક્ષેત્ર હવે વિશ્વમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યું છે. રશિયા અને ચીન આ પ્રદેશમાં પોતાની હાજરી વધારી રહ્યા છે. ગ્રીનલૅન્ડ આર્કટિકમાં આવેલું હોવાથી એની ભૂમિ પર હાજરી વધારીને અમેરિકા રશિયા અને ચીન પર સીધી નજર રાખી શકે છે.

2. કુદરતી સંસાધનોનો ખજાનો: ગ્રીનલૅન્ડના પેટાળમાં દુર્લભ ખનીજો, તેલ અને ગેસના મોટા ભંડાર છે, જે હાંસલ કરીને અમેરિકા વધુ સમૃદ્ધિ ઝંખે છે.

અમેરિકાનો સાથ ગ્રીનલૅન્ડ માટે ફાયદાનો કે ખોટનો સોદો? 

ગ્રીનલૅન્ડની સ્વતંત્રતા અને અમેરિકા સાથે સંભવિત ગઠજોડ એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે, જેના ફાયદા પણ છે અને નુકસાન પણ.

જેમ કે, ફાયદા જોઈએ તો… 

1. ડેનમાર્કથી સંપૂર્ણ સ્વતંત્ર થવાથી ગ્રીનલૅન્ડને અંગત બાબતોમાં સ્વયંનિર્ણયનો અધિકાર મળે. 

2. ડેનમાર્કથી અલગ થાય તો ગ્રીનલૅન્ડને પોતાના કુદરતી સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણ મળે.

3. વિશ્વમાં એક અલગ દેશ અને ભવિષ્યમાં એક સમૃદ્ધ દેશ તરીકેની ઓળખ પણ મળે. 

તો નુકસાન એ છે કે… 

1. ડેનમાર્ક પાસેથી હાલમાં મળતી આર્થિક સહાય નહીં મળે.

2. નવી સુરક્ષા પ્રણાલી ઊભી કરવી પડશે. એ માટે અમેરિકા કે એના જેવા બીજા કોઈ શક્તિશાળી દેશ પર એક હદથી વધારે નિર્ભર રહેવું પડશે. પરિણામે સ્વતંત્રતા મળ્યા પછી પણ કદાચ ગ્રીનલૅન્ડ ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો સ્વાદ નહીં ચાખી શકે. 

3. ગ્રીનલૅન્ડને મદદ કરનારા દેશો કુદરતી સંસાધનોમાં ભાગ પડાવશે. ગ્રીનલૅન્ડની અંગત બાબતો, સરકારની પસંદગી જેવા મુદ્દે પણ પારકો દેશ માથું મારે, એવું બની શકે.

વૈશ્વિક ભૂરાજકીય વ્યૂહનીતિઓમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે 

સ્વતંત્ર થયા પછી ગ્રીનલૅન્ડ અમેરિકાનું બગલબચ્ચું બની જાય, તો આર્કટિકમાં અમેરિકાની હાજરીથી વૈશ્વિક ભૂરાજકીય પરિબળોમાં અભૂતપૂર્વ ઉથલપાથલ મચી શકે. રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે નવી સ્પર્ધા જામી શકે છે. અમેરિકાની ચંચુપાત યુરોપ સાથેના સંબંધોને પણ નુકસાન પહોંચાડી શકે એમ છે.



Source link

Related Articles

Back to top button