गुजरात

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young man stabbed a young woman in Ahmedabad



Ahmedabad Danilimda News : અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ફરી એકવાર ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી ઘટનામાં, દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં માત્ર આઠ દિવસમાં છરીબાજીની ત્રીજી ઘટના સામે આવી છે. રામ-રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં જાહેરમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લુખ્ખા તત્વોમાં પોલીસનો ડર ઓસરી રહ્યો હોય તેમ ભરેલા બજારે આતંક મચાવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, બહેરામપુરાની રસુલ કડીયાની ચાલીમાં રહેતી તમન્ના શેખ નામની યુવતી તેના પિયર આવી હતી. રાત્રિના સમયે તે પોતાની માસીના ઘરે જવા નીકળી ત્યારે રામ-રહીમના ટેકરા પાસે આવેલી રાજા બેકરીમાં બન ખરીદવા ઉભી રહી હતી. આ દરમિયાન ત્યાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ નામનો યુવક આવી પહોંચ્યો હતો. રહીમે તમન્નાને તુ મારી સાથે વાત કેમ નથી કરતી? અને એકલી ક્યાં ફરે છે? તેમ કહી તકરાર શરૂ કરી હતી. તમન્નાએ તેની સાથે વાત કરવાનો ઇનકાર કરતા અને પોતાની માસીને ફોન કરવાનો પ્રયાસ કરતા, ઉશ્કેરાયેલા રહીમે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી તમન્ના પર એક પછી એક ચાર ઘા ઝીંકી દીધા હતા.

આ હુમલામાં યુવતીના બંને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે હુમલાખોર રહીમ ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રહીમે અગાઉ પણ યુવતીના સંબંધીઓ પર તલવારથી હુમલો કર્યો હતો, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલમાં દાણીલીમડા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



Source link

Related Articles

Back to top button