બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airport staffer arrested after South Korean woman alleges Molestation during frisking

![]()
Bengaluru Airport Staffer Arrested After South Korean Woman Alleges Molestation: બેંગ્લુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી મહિલા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. અહીં એર ઈન્ડિયા એસએટીએસના ગ્રાઉન્ડ સ્ટાફકર્મી મોહમ્મદ અફ્ફાનની કોરિયન મહિલાની છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ મહિલાને કથિત રીતે ફ્લાઈટ ચૂકી જવાનો ડર દેખાડ્યો અને સામાનમાં ગડબડના બહાને તેને એકાંતમાં લઈ ગયો અને તેની છેડતી કરી. એરપોર્ટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ કંપનીએ કાર્યવાહી કરતા તેને તાત્કાલિક અસરથી બરતરફ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
કોરિયન મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સોમવારે 19 જાન્યુઆરીના રોજ કોરિયા જતી ફ્લાઈટમાં સવાર થવા માટે એરપોર્ટ પર હતી. ઈમિગ્રેશન તપાસ પૂર્ણ કર્યા બાદ હું ટર્મિનલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મોહમ્મદ અફ્ફાન નામના એક પુરુષ કર્મચારીએ મારી સાથે સંપર્ક કર્યો અને મને ફ્લાઈટ ટિકિટ બતાવવા માટે કહ્યું. પછી તેણે દાવો કર્યો કે મારા ચેક-ઈન સામાનમાં કોઈ સમસ્યા છે અને તેમાંથી બીપનો અવાજ આવી રહ્યો છે.
ફ્લાઈટ ચૂકી જવાનો ડર બતાવી છેડતી કરી
અફ્ફાને કથિત રીતે મહિલાને કહ્યું કે, નિયમિત સ્ક્રીનિંગ કાઉન્ટર પર પાછા જવામાં સમય લાગશે અને તમે ફ્લાઈટ ચૂકી જશો. તેણે ભાર મૂકીને કહ્યું કે, તેની અલગથી તપાસ થવી જોઈએ અને તે મહિલાને પુરુષોના વોશરૂમ પાસે લઈ ગયો. મહિલાએ વાંધો ઉઠાવ્યો છતાં અફ્ફાને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેણે કથિત રીતે તેને ગળે લગાવી અને ચાલ્યો ગયો.
પોલીસે સ્ટાફકર્મીની કરી ધરપકડ
આ ઘટના બાદ તરત જ મહિલાએ તેની જાણ એરપોર્ટ સુરક્ષાકર્મીઓને કરી. ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન અફ્ફાનની આ ઘૃણાસ્પદ હરકત જોઈ. કોરિયન મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે.
એર ઈન્ડિયા એસએટીએસએ આ ઘટનાને ‘અક્ષમ્ય’ ગણાવી અને કહ્યું કે કંપનીએ અફ્ફાનને બરતરફ કરી દીધો છે. એર ઈન્ડિયાએ આ ઘટનાને કારણે થયેલી માનસિક વેદના માટે દુ:ખ વ્યક્ત કર્યું છે અને મુસાફરને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.



