1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh Riots: Ex Congress MP Sajjan Kumar Acquitted by Delhi Court

![]()
1984 Anti-Sikh Riots: 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જનકપુરી અને વિકાસપુરીમાં થયેલી હિંસાના મામલે પુરાવાના અભાવે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હીના જનકપુરી અને વિકાસપુરી વિસ્તારોમાં થયેલી હિંસા સાથે સંબંધિત હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ફેબ્રુઆરી 2015માં આ મામલે બે અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી હતી.
પ્રથમ FIR: 1 નવેમ્બર, 1984ના રોજ સોહન સિંહ અને અવતાર સિંહની હત્યા સંબંધિત હતી.
બીજી FIR: 2 નવેમ્બર, 1984ના રોજ ગુરચરણ સિંહને જીવતા સળગાવી દેવાની ઘટના માટે હતી.
આ બંને કેસમાં સજ્જન કુમાર મુખ્ય આરોપી તરીકે ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા.
કોર્ટમાં સજ્જન કુમારની દલીલો
સુનાવણી દરમિયાન સજ્જન કુમારે કોર્ટમાં પોતાને સંપૂર્ણપણે નિર્દોષ ગણાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે તેમની વિરુદ્ધ એક પણ પુરાવો નથી અને તેઓ સપનામાં પણ આવી હિંસામાં સામેલ થવાનું વિચારી શકતા નથી. તેમણે તપાસ એજન્સી પર નિષ્પક્ષ તપાસ ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો
વિશેષ ન્યાયાધીશ દિગ્વિનય સિંહની કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસેમ્બર 2025માં ચુકાદો અનામત રાખ્યો હતો. ગુરુવારે, કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે સજ્જન કુમાર વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા નથી, જેના આધારે તેમને દોષિત ઠેરવી શકાય. આથી, કોર્ટે તેમને આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.


