दुनिया

યુક્રેન યુદ્ધના અંત તરફ મોટું પગલું: શાંતિ સમજૂતી બાદ ફ્રીઝ થયેલી સંપત્તિ વાપરવા પુતિન તૈયાર | putin ready to use frozen assets for ukraine rebuilding



Gaza Peace Board: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ભાગ લેવા પહોંચેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને તેમના દ્વારા પ્રસ્તાવિત ‘ગાઝા પીસ બોર્ડ'(Gaza Peace Board)માં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથેની મહત્ત્વની બેઠક પહેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને એક મોટો નિર્ણય લીધો છે. પુતિને સંકેત આપ્યા છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થાય છે, તો તેઓ યુદ્ધમાં બરબાદ થયેલા વિસ્તારોના પુનઃનિર્માણ માટે પશ્ચિમી દેશો દ્વારા ફ્રીઝ કરવામાં આવેલી રશિયન સંપત્તિનો ઉપયોગ કરવા તૈયાર છે.

‘બોર્ડ ઓફ પીસ’ માટે 1 અબજ ડોલરની જાહેરાત

બુધવારે મોડી રાત્રે રશિયન સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને જાહેરાત કરી હતી કે, તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ‘બોર્ડ ઓફ પીસ’માં 1 અબજ ડોલર (આશરે ₹8,400 કરોડ)નું દાન આપશે. આ રકમનો ઉપયોગ ગાઝામાં સીઝફાયર યોજનાની દેખરેખ માટે કરવામાં આવશે. નોંધનીય છે કે આ દાન પણ અમેરિકામાં ફ્રીઝ થયેલી રશિયન સંપત્તિમાંથી જ આપવામાં આવશે.

યુક્રેનના પુનઃનિર્માણ પર પુતિનનું વલણ

પુતિને ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં રહેલી અમારી ફ્રીઝ સંપત્તિમાંથી જે ભંડોળ બાકી રહેશે, તેનો ઉપયોગ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સંધિ થયા બાદ યુદ્ધ પ્રભાવિત વિસ્તારોને ફરીથી બેઠા કરવા માટે કરી શકાય છે. અમે આ શક્યતા અંગે અમેરિકન પ્રશાસનના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ.’

શાંતિ મંત્રણા માટે મહત્ત્વનો દિવસ

22 જાન્યુઆરી, 2026 અમેરિકાના પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નર પુતિન સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકમાં યુક્રેન સંકટના કાયમી ઉકેલ અને ગાઝા પીસ પ્લાન અંગે ગંભીર ચર્ચાઓ થવાની શક્યતા છે. આ સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રની મધ્યસ્થી બાદ પુતિનનું આ નરમ વલણ લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના અંત તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ગ્રીનલેન્ડને ‘સૈન્ય’ નહીં,’સમજણ’થી લઇશું: ટ્રમ્પ

‘આ અમારો વિષય નથી, અમેરિકા-ડેનમાર્ક પોતે ઉકેલી લે’: ગ્રીનલેન્ડ વિવાદ પર પુતિન

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદવા અથવા તેના પર કબજો કરવાના નિવેદનોથી ડેનમાર્ક અને નાટો(NATO) દેશોમાં ખળભળાટ મચ્યો છે. આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે, ‘ગ્રીનલેન્ડ સાથે જે પણ થાય તે રશિયા માટે ચિંતાનો વિષય નથી અને તેમને આશા છે કે બંને દેશો આ મામલો પરસ્પર ઉકેલી લેશે.’

પુતિને ઐતિહાસિક ઉદાહરણો આપતા નોંધ્યું કે ડેનમાર્ક ભૂતકાળમાં વર્જિન આઇલેન્ડ અમેરિકાને વેચી ચૂક્યું છે, જોકે તેમણે ડેનમાર્કના ગ્રીનલેન્ડ પ્રત્યેના ઐતિહાસિક વલણને ‘ક્રૂર’ ગણાવ્યું હતું. રશિયાએ આ વિવાદથી અંતર જાળવી રાખીને સંકેત આપ્યો છે કે તે આમાં કોઈ દખલગીરી કરવા માંગતું નથી.

શું છે આ ‘પીસ બોર્ડ'(NCAG) અને તેના પર વિવાદ?

ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના વહીવટ અને પુનઃનિર્માણ માટે ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા'(NCAG) હેઠળ એક વિશેષ ‘બોર્ડ ઓફ પીસ’નું ગઠન કર્યું છે, જેમાં ભારત, રશિયા અને પાકિસ્તાન સહિત વિશ્વના 60 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બોર્ડની સભ્યપદ ફીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે, કારણ કે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ કાયમી સભ્યપદ મેળવવા માટે દેશોએ 1 અબજ ડોલર(આશરે ₹8400 કરોડ) આપવા પડશે, જોકે વ્હાઇટ હાઉસે આ અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે. 

આ પણ વાંચો: ટ્રમ્પના ગ્રીનલેન્ડ મુદ્દે તેવર નરમ પડ્યા, યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ પહેલ સામે નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે તેમાં તૂર્કીયે જેવા દેશોને સામેલ કરાયા છે જેમને ઇઝરાયલ હમાસના સમર્થક ગણે છે. આ બોર્ડમાં ભારતીય મૂળના અને વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગાને પણ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે ગાઝાના આર્થિક વિકાસ અને ‘મિરેકલ સિટીઝ’ જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.


યુક્રેન યુદ્ધના અંત તરફ મોટું પગલું: શાંતિ સમજૂતી બાદ ફ્રીઝ થયેલી સંપત્તિ વાપરવા પુતિન તૈયાર 2 - image



Source link

Related Articles

Back to top button