‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Air India Crash: US Report Alleges Prior Technical Faults in Crashed Boeing 787

![]()
Ahmedabad Air India Crash : ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના મહિનાઓ બાદ, અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દુર્ઘટનાના સંભવિત કારણો અંગે એક સનસનીખેજ રિપોર્ટ રજૂ કર્યો છે. ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) નામના આ જૂથે દાવો કર્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું બોઈંગ 787 વિમાન ક્રેશ થતાં પહેલાં પણ ઘણી વખત ગંભીર ટેકનિકલ ખામીઓનો સામનો કરી ચૂક્યું હતું.
અમેરિકાની સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં સનસનીખેજ દાવો
ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી (FAS) એ 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન સંસદમાં એક રિપોર્ટ જમા કરાવ્યો છે. અહેવાલ મુજબ, FASએ પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે એર ઈન્ડિયાનો હિસ્સો બન્યા બાદથી જ આ વિમાનમાં સતત ટેકનિકલ ખામીઓ આવી રહી હતી. FASનો દાવો છે કે વિમાનમાં એન્જિનિયરિંગ, ગુણવત્તા અને જાળવણીમાં નોંધપાત્ર ખામીઓ હતી. રિપોર્ટમાં ઈલેક્ટ્રોનિક, સોફ્ટવેર, વારંવાર સર્કિટ બ્રેકર્સનું ટ્રીપ થવું, ખરાબ વાયરિંગ, શોર્ટ સર્કિટ, વીજળી પુરવઠામાં ઘટાડો અને પાવર સિસ્ટમ ગરમ થવા જેવી અનેક સમસ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બોઈંગની પ્રતિક્રિયા, એર ઈન્ડિયાનું મૌન
FASના આ ગંભીર દાવાઓ પર બોઈંગે પ્રતિક્રિયા આપી છે. બોઈંગના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. ભારતમાં થયેલી વિમાન દુર્ઘટનામાં AAIB (વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો)નો જે પણ નિર્ણય હશે, અમે તેનું પાલન કરીશું.” જોકે, એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. ઉલ્લેખનીય છે કે, AAIBએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં ફ્યુઅલ સ્વિચ બંધ થવાને કારણે પ્લેન ક્રેશ થયું હોવાના સંકેત આપ્યા હતા.
FASનો દાવો: 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલ
FASએ પોતાના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે બોઈંગ 787 પ્રોગ્રામ તેના નિર્ધારિત સમય કરતાં 3 વર્ષ પાછળ ચાલી રહ્યો છે અને તેનું બજેટ અબજો ડોલર વધી ગયું છે. રિપોર્ટ મુજબ, 2000થી વધુ બોઈંગ 787 વિમાનોમાં સિસ્ટમ ફેલિયરની ઘટનાઓ બની ચૂકી છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી આપતાં રિપોર્ટમાં કહેવાયું છે કે આ વિમાન 2011માં બનીને તૈયાર થયું હતું અને 28 જાન્યુઆરી, 2014ના રોજ તેને એર ઈન્ડિયાને સોંપવામાં આવ્યું હતું.



