‘SIR’ શંકાના ઘેરામાં, 10 લાખ મતદારોના નામ કમી કરાશે, ફોર્મ-7ના દુરુપયોગનો આરોપ | 10 lakh voters to be removed over form 7 misuse allegations

Voter list deletion: રાજ્યમાં ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં રાજ્ય ચૂંટણીપંચ શંકાના ઘેરામાં આવ્યુ છે. વિપક્ષોએ હંગામો મચાવી એવો આક્ષેપ કર્યો છે કે, ફોર્મ-7નો દૂરપયોગ કરી ગુજરાતમાં 10 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયુ છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચ મૌન ધારણ કરીને બેઠું છે. જોકે, કોંગ્રેસ-આપે પુરાવા રજૂ કરીને એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ વિગતો જાહેર નહી કરે તો, સમગ્ર મુદ્દે રાજ્યભરમાં કલેક્ટર કચેરીનો ઘેરાવથી માંડીને વિરોધ પ્રદર્શન- આંદોલન કરાશે. એટલું જ નહીં, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પણ તૈયારી કરાઇ છે.
ફોર્મ-7નો મોટાપાયે દુરુપયોગ: મતદારોની જાણ બહાર નામ કમી કરવાનો ખેલ?
બંધારણે મત આપવાનો અધિકાર આપ્યો છે ત્યારે ભાજપે ચૂંટણીપંચ સાથે મેળાપિપણું રચી ગુજરાતમાં લાખો મતદારોનો મતનો હક છિનવવા માટે ષડયંત્ર રચ્યુ છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘મતદાર યાદીમાંથી નામ કમી કરવાના આશયથી મતદારોની જાણ બહાર ખોટી વિગતો સાથે ફોર્મ-7 ભરી દેવાયા છે. એક તરફ, છેલ્લાં ત્રણેક દિવસમાં આખાય રાજ્યમાં ભાજપના કાર્યકરોએ હજારો નહી, લાખો ફોર્મ-7 ભર્યા છે જ્યારે ચૂંટણીપંચે કોંગ્રેસના કાર્યકરોને ફોર્મ-7 આપવા ઇન્કાર કરી દીધો છે.
સીસીટીવી ફૂટેજ જાહેર કરો: રાતોરાત હજારો ફોર્મ-7 ભરાયા હોવાનો કોંગ્રેસનો દાવો
પહેલા વોટચોરી કરી અને હવે બારોબાર ફોર્મ-7 ભરીને મતદારોના નામ કમી કરવા માટે ષડતંત્ર રચાયુ છે. બીએલઓ પર રાજકીય દબાણ કરીને ફોર્મ-7 ભરી દેવાયાં છે. દરેક વિધાનસભા બેઠક પર દસ હજારથી વધુ મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ-7 ભરાયાં છે. કોંગ્રેસે માંગ કરી છે કે, રાતોરાત હજારો ફોર્મ-7 ભરાયાં છે તેના સીસીટીવી ફુટેજ જાહેર કરો. વાંધો લેનારાની રાજ્ય ચૂંટણીપંચ વિગતો જાહેર કરે.
આ પણ વાંચો: હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત
વેરિફિકેશન છતાં 9 લાખ વાંધા અરજીઓ અત્યંત શંકાસ્પદ
આ તરફ, આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ઘેર ઘેર વેરિફેકેશન થયા પછી પણ અચાનક 9 લાખ વાંધા અરજીઓ થઈ છે તે શંકા ઉપજાવે છે. માત્ર જામખંભાળિયામાં જ 15 હજાર અરજીઓ નામ રદ કરવા માટે કરાઈ છે. તેમણે ઉદાહરણ આપ્યું કે, દિપાલીબેન નામની એક મહિલાએ અરજી કરી ન હોવા છતાંય ફોર્મ-7 બારોબાર ભરી દેવાયુ હતું. આવા તો અનેક કિસ્સા છે.
એવી માંગ કરાઈ છે કે, ખોટી વિગતો સાથે ફોર્મ-7 ભરનારાં વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરો. ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં ચૂંટણીપંચ પણ શંકાના ઘેરામાં છે ત્યારે સમગ્ર મામલો કોર્ટ સુધી પહોચે તેવી શક્યતા છે.




