જમીન માલિકને અપાતી સહાયના 30 ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ | Demand to pay 30 percent of the assistance given to the landowner to the agricultural laborers

![]()
સુરેન્દ્રનગરમાં ખેત મજૂરો માટે અધિકાર પદયાત્રા
પાક નિષ્ફળ જાય ત્યારે મજૂરોની હાલત પણ કફોડ બની છે ઃ સરકાર ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોએ અધિકાર પદયાત્રા યોજી જમીન માલિકને અપાતી સહાયના ૩૦ ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ કરી છે. ખેત મજૂરોની માંગ છે કે પાક નિષ્ફળ જાય ત્યારે મજૂરોની હાલત પણ કફોડ બની છે. જોકે, સરકાર ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી ખેત મજૂરો દ્વારા ઉચ્ચારાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા ખેત મજૂરોના અધિકાર માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેત મજૂરો અને કોંગ્રેસી કાર્યકરો બેનરો સાથે જોડાયા હતા.
આ તકે ખેત મજૂરોએ જણાવ્યું કે કુદરતી આફતો વખતે સરકાર માત્ર જમીન માલિકોને જ સહાય આપે છે, પરંતુ ખેતીમાં તનતોડ મહેનત કરતા ભાગીદાર ખેત મજૂરોને વળતરથી વંચિત રાખવામાં આવે છે. સંગઠને માંગ કરી છે કે ખેડૂતોને અપાતી સહાય ઉપરાંત ખેત મજૂરો માટે અલગથી ૩૦ ટકા રકમનું વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ.
જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અનુસૂચિત જાતિ, આદિવાસી અને પછાત વર્ગના હજારો પરિવારો ખેતી પર નભે છે. પાક નિષ્ફળ જાય ત્યારે તેમની હાલત કફોડી બની જાય છે. જો સરકાર આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય કે નીતિગત ઉકેલ નહીં લાવે, તો સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધીની ‘અધિકાર પદયાત્રા’ યોજવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



