ફાયર સેફટી સિસ્ટમ માટે યુનિ.ને ૨૭ કરોડની ગ્રાંટ આપવામાં સરકારના અખાડા | state goverment not giving grant for fire safety system in msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના તમામ બિલ્ડિંગોને ફાયર સેફટી સિસ્ટમથી સજ્જ કરવા માટે કામગીરી ચાલી રહી છે.આ પ્રોજેકટ માટે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ સરકાર પાસે ૨૭ કરોડ રુપિયાની ગ્રાંટ માંગી છે.જે બે વર્ષથી યુનિવર્સિટીને મળી નથી.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના અને હેડ ઓફિસ તથા બીજા ઈન્સ્ટિટયુટના કુલ ૧૫૦ જેટલા બિલ્ડિંગ છે અને સત્તાધીશોએ આ તમામ બિલ્ડિંગમાં નેશનલ બિલ્ડિંગ કોડના ધારાધોરણ પ્રમાણે ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવાનું નક્કી કર્યું છે. આ કામગીરી માટે બે વર્ષ પહેલા યુનિવર્સિટી દ્વારા સરકાર પાસે ૨૭ કરોડની ગ્રાંટ માંગવામાં આવી હતી.
જોકે સરકારે અત્યાર સુધી વાયદા જ કર્યા છે અને તેના કારણે ફેકલ્ટીઓના ડેવલપમેન્ટ ફંડમાંથી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.પોલીટેકનિક જેવી ફેકલ્ટીઓ પાસે તો તેના કારણે હવે ડેવલપમેન્ટ ફંડ રહ્યું જ નથી.ઉલ્લેખનીય છે કે, ડેવલપમેન્ટ ફંડની રકમ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે અને તેમાંથી વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં આવે છે.ફાયર સેફટી સિસ્ટમ માટે અત્યાર સુધીમાં યુનિવર્સિટી બે થી ત્રણ કરોડ રુપિયાનો ખર્ચ કરી ચૂકી છે.



