दुनिया

ગ્રીનલેન્ડને ‘સૈન્ય’ નહીં,’સમજણ’થી લઇશું: ટ્રમ્પ | Will take Greenland through ‘understanding’ not ‘military’: Trump



– ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિતના દેશોની નારાજગી છતાં ટ્રમ્પ અડીખમ,  ડેન્માર્કને ઉપકાર ભૂલી જનારો દેશ ગણાવ્યો

– કેનેડાનું અસ્તિત્વ જ અમારા કારણે છે, કાર્ની ફરીથી અમેરિકાનો વિરોધ કરે ત્યારે આ વાત યાદ રાખે: ટ્રમ્પ

– બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે છ કલાકમાં ઘૂંટણિયે પડી ગયેલું ડેન્માર્ક ગ્રીનલેન્ડની રક્ષા નહીં કરી શકે

– ભારત અને અમેરિકા વચ્ચે સારામાં સારી ટ્રેડ ડીલ થવા જઈ રહી છે: ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યુરોપીયન દેશોના વડાઓ સમક્ષ રીતસર દાદાગીરીના સૂરે જ જણાવી દીધુ હતું કે ગ્રીનલેન્ડ અમે બળથી નહીં પણ કળથી હાંસલ કરીશું. અમેરિકા સિવાય બીજો કોઈ યુરોપીયન દેશ ગ્રીનલેન્ડનું રક્ષણ કરવા સમર્થ નથી. આ ઉપરાંત તેમણે ડેન્માર્કને એહસાન ફરામોશ દેશ ગણાવ્યો હતો.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ડેન્માર્ક બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે માંડ છ કલાક ટકી શક્યું હતુ. આજે ડેન્માર્ક જે સ્વતંત્રતા ભોગવે છે તે પણ અમેરિકાને આભારી છે. અને અમારી પૂર્વ નેતાગીરીએ ભૂલ કરી હતી કે ગ્રીનલેન્ડ તે સમયે ડેન્માર્કને પાછુ આપી દીધુ હતુ. જો તેમણે જ તે સમયે ગ્રીનલેન્ડ લઈ લીધું હોત તો આજે મારે આવો દાવો કરવો પડયો ન હોત. તેમની ભૂલને હવે હું સુધારી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે હું કંઈ ગ્રીનલેન્ડને લીઝ પર લેવાનો નથી, મારે આખેઆખા ગ્રીનલેન્ડ પર અમેરિકાનો હક્ક જોઈએ છે. તેની સાથે તેમણે ગ્રીનલેન્ડ પર ડેન્માર્કે અંકુશ છોડવાનો ઇન્કાર કર્યો તે બદલ તેને અહેસાન ફરામોશ ગણાવ્યું હતું.

ટ્રમ્પે તેની સાથે યુરોપીયન નેતાઓને જણાવ્યું હતું કે તેઓ ગ્રીનલેન્ડ મુદ્દે અમારી સાથે વાતચીત શરુ કરે તે જરુરી છે. તેની સાથે તેમણે ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવામાં આવે તો તેનાથી નાટોને થનારા ફાયદા ગણાવ્યા હતા. આ બાબત યુરોપના સૌથી વધુ હિતમાં હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે મને ગ્રીનલેન્ડ માટે હા પાડવામાં આવી તો હું ખુશ થઈને તેમની ભાવનાનું સન્માન કરીશ, પરંતુ ના પાડવામાં આવી તો અમેરિકા હંમેશા આ યાદ રાખશે.

ટ્રમ્પે કેનેડાના પીએમ માર્ક કાર્નીની પણ બરોબરની ઝાટકણી કાઢી હતી. માર્ક કાર્નીએ તેમના ભાષણમા અમેરિકાની પરોક્ષ રીતે ટીકા કરી હતી. તેના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારા પડોશી દેશે અમારો આભાર માનવો જોઈએ કે તેને અમારી પાસેથી ઘણુ બધુ મફતમાં મળે છે, પણ તે અમારો આભાર માનતું નથી. અમારી ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવાની યોજના છે. તેનાથી કેનેડાનું પણ રક્ષણ થશે, પરંતુ કાર્ની અમારા આભારી નથી. કેનેડાનું અસ્તિત્વ જ અમારા કારણે છે તે કાર્ની આગામી વખતે અમેરિકા વિરુદ્ધ બોલે ત્યારે યાદ રાખે. 

ટ્રમ્પે યુરોપીયન દેશોની પણ આકરી ઝાટકણી કાઢતા તેમની દુઃખતી રગ પર હાથ મુક્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે આજે બીજા વિશ્વયુદ્ધમાં પોતાની સ્વતંત્રતા કરી ન શકનારા યુરોપીયન દેશો આજે અમારા જેવી મહાસત્તાને પડકારવાની વાતો કરે છે તે ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે. જો તેઓ તેમની સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં સક્ષમ હોત તો તેમણે અમારી સાથે મળીને નાટો બનાવવું પડયું ન હોત વાસ્તવમાં તો તેઓ આજે જે સ્વતંત્રતા ભોગવે છે તે માટે તેમણે અમેરિકાનો આભાર માનવો જોઈએ. 

મેં જે કાર્યો કર્યા છે તે બદલ ઇશ્વર પણ મારા પર ગર્વ અનુભવતા હશે : ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તેમના શાસનના એક વર્ષ નિમિત્તે પત્રકાર પરિષદ કરી હતી અને ૧૦૦ મિનિટ સુધી પત્રકારોને સંબોધતા તેમના શાસનની લાક્ષણિકતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇશ્વરે મેં જે કાર્યો કર્યા છે તે બદલ ગૌરવ અનુભવતો હશે. ટ્રમ્પે તેના આ ભાષણ દરમિયાન તેની એન્ટિ ઇમિગ્રેશન કાર્યવાહી પર સતત ભાર મૂક્યો હતો. તેના આઇસીઈ એજન્ટ્સ કેવી કામગીરી બજાવી રહ્યા છે તે સતત જણાવ્યું હતું. તેની સાથે ભૂતપૂર્વ શાસકોની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે જો તેઓએ આ કાર્યવાહી કરી હોત તો મારે તેની પાછળ સમય બગાડવો પડયો ન હોત.



Source link

Related Articles

Back to top button