गुजरात

ચોટીલામાં ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી | Paving the way for demolition in Chotila: High Court rejects all petitions



દુકાનદારોએ દબાણ કરી 40 ફૂટનો માર્ગ 20 ફૂટનો કરી નાખ્યો હતો

૩૯ દબાણકર્તાએ રાહત મેળવવા અલગ અલગ ૧૭ પીટીશન દાખલ કરી હતીઃ હાઇકોર્ટે તમામ ફગાવી

સુરેન્દ્રનગર –  સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર તળેટી વિસ્તારમાં ચાલી રહેલી દબાણ હટાવવાની ઝુંબેશમાં તંત્રને મોટી કાનૂની સફળતા મળી છે. હાઈકોર્ટમાં અલગ-અલગ ૩૯ દબાણકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ ૧૭ પીટીશનો ડિસ્પોઝ (રદ) કરી દેવામાં આવતા હવે બાકી રહેલા દબાણો પર પણ જેસીબી ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ચોટીલા ડુંગર તળેટીમાં ૪૦૦થી વધુ દબાણકર્તાઓએ ૪૦ ફૂટ પહોળાઈના રસ્તા પર દબાણ કરીને તેને માત્ર ૨૦ ફૂટનો કરી નાખ્યો હતો. જેના પરિણામે દર્શનાર્થે આવતા લાખો ભક્તોને ટ્રાફિક અને અવરજવરમાં ભારે અગવડતા પડતી હતી. કેટલાક માથાભારે તત્વો ગેરકાયદેસર દબાણ કરી ભાડા ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તળેટી વિસ્તારમાં અવારનવાર સર્જાતા ટ્રાફિકજામના નિરાકરણ માટે રસ્તો ખુલ્લો કરવો અનિવાર્ય હતો.

નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા તારીખ ૧૧/૦૧/૨૦૨૬થી મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોટાભાગની કામગીરી પૂર્ણતાના આરે છે. પરતું તંત્ર દ્વારા શરૃ કરાયેલા મેગા ડિમોલેશન સામે કુલ ૩૯ દબાણકર્તાઓ દ્વારા અલગ-અલગ સમયે હાઈકોર્ટમાં કુલ ૧૭ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (પીટીશન) દાખલ કરવામાં આવી હતી. 

દબાણકર્તાઓની આશા હતી કે તેમને કોર્ટ તરફથી સ્ટે અથવા કોઈ રાહત મળશે. જોકે, હાઈકોર્ટમાં કેસ ચાલતા કોર્ટે કોઈ પણ દબાણકર્તાને રાહત આપી નથી અને તમામ અરજીઓ રદ કરી નાખી છે. હવે જે થોડા ઘણા દબાણો કોર્ટ કેસને કારણે બાકી હતા, તેનો માર્ગ પણ હવે મોકળો થઈ ગયો છે. હાઈકોર્ટના આ વલણ બાદ હવે ચોટીલા તળેટી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો થશે. તંત્ર હવે ટૂંક સમયમાં બાકી રહેલા ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરશે તેવું અનુમાન છે.



Source link

Related Articles

Back to top button